Homerevoinewsપરમાણુ હથિયારોની હોડ: વિશ્વમાં મિસાઈલો પર તૈનાત પરમાણુ વોરહેડ્સની સંખ્યામાં વધારો, ભારત...

પરમાણુ હથિયારોની હોડ: વિશ્વમાં મિસાઈલો પર તૈનાત પરમાણુ વોરહેડ્સની સંખ્યામાં વધારો, ભારત પાસે 190 પરમાણુ શસ્ત્રો

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર 2026: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વના નવ પરમાણુ સત્તા ધરાવતા દેશોએ પોતાની મિસાઈલો અને બોમ્બર બેઝ પર તૈનાત પરમાણુ વોરહેડ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ (સીપરી) ના તાજેતરના અહેવાલ અનુસાર, વર્ષો પછી પહેલીવાર તૈનાત પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધીને 4,012 પર પહોંચી ગઈ છે. આ વધારામાં મુખ્યત્વે રશિયા, ચીન અને ભારત દ્વારા કરવામાં આવેલી નવી તૈનાતી જવાબદાર છે.

સીપરીના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2025 ની સરખામણીએ એક્ટિવ મોડમાં તૈનાત વોરહેડ્સમાં આશરે 100 નો વધારો થયો છે. જેમાંથી 2,100 થી 2,200 જેટલા વોરહેડ્સને ‘હાઈ ઓપરેશનલ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના રશિયા અને અમેરિકાના છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીન અને ભારતે પણ હવે પોતાના વોરહેડ્સને હાઈ ઓપરેશનલ એલર્ટ પર તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે.

વિશ્વમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતા 9 દેશોની યાદીમાં રશિયા કુલ 5,420 વોરહેડ્સ (જેમાંથી 1,796 તૈનાત છે) સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ બીજા ક્રમે અમેરિકા પાસે 5,042, ત્રીજા ક્રમે ચીન પાસે 620 (જેમાંથી 34 તૈનાત છે), ચોથા ક્રમે ફ્રાન્સ પાસે 370 અને પાંચમા ક્રમે યુનાઈટેડ કિંગડમ પાસે 225 વોરહેડ્સ છે. આ યાદીમાં ભારત 190 પરમાણુ શસ્ત્રો સાથે છઠ્ઠા ક્રમે આવે છે. જ્યારે ભારતનો પડોશી દેશ પાકિસ્તાન 170 વોરહેડ્સ સાથે સાતમા, ઈઝરાયેલ 90 વોરહેડ્સ સાથે આઠમા અને ઉત્તર કોરિયા 60 વોરહેડ્સ સાથે નવમા ક્રમે છે.

  • ભારતે છેલ્લા એક વર્ષમાં 10 નવા વોરહેડ ઉમેર્યા

ભારતે છેલ્લા એક વર્ષમાં પોતાના પરમાણુ ખજાનામાં 10 નવા વોરહેડ ઉમેર્યા છે, જેનાથી ભારત પાસે કુલ પરમાણુ શસ્ત્રોની સંખ્યા 190 થઈ ગઈ છે. આ સાથે જ ભારતે ઈતિહાસમાં પહેલીવાર 12 પરમાણુ વોરહેડ્સને મિસાઈલો પર સીધા તૈનાત કર્યા છે. ‘બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ’ના રિપોર્ટ મુજબ, ભારત પોતાના પરમાણુ શસ્ત્રાગારનું ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યું છે અને જમીન, હવાઈ તથા દરિયાઈ ક્ષમતા ધરાવતી નવી મિસાઈલ સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે.

ચીને પણ પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 600 થી વધારીને 620 કરી દીધી છે. સીપરીના મતે આગામી વર્ષોમાં ભારત અને ચીન બંને પોતપોતાના પરમાણુ ઝખીરામાં સતત વધારો ચાલુ રાખશે. જોકે, જૂના વોરહેડ્સને નષ્ટ કરવાની પ્રક્રિયાના કારણે વિશ્વમાં કુલ પરમાણુ વોરહેડ્સનો આંકડો 12,241 થી ઘટીને 12,187 થયો છે, પરંતુ વાસ્તવિક યુદ્ધમાં વાપરી શકાય તેવા સક્રિય શસ્ત્રોની સંખ્યા વધીને 9,745 થઈ ગઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular