1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ

ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે, જ્યારે મહિલાઓ જોડાશે : રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિનું મિશન ત્યારે જ સફળ થશે જ્યારે મહિલાઓ તેમાં જોડાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ બહેનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમગ્ર ગુજરાત પ્રદેશને પ્રાકૃતિક પ્રદેશ બનાવવા નેતૃત્વ લેવા નારીઓને અનુરોધ કર્યો હતો. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં તેમણે કહ્યું કે, આગામી બે વર્ષમાં સમગ્ર ગુજરાતને ઝેરમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે, આ મિશન માટે બહેનો આગળ આવે.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ સંયોજક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડાની ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલી બહેનોએ ભાગ લીધો હતો.

મહિલાઓને સંબોધતાં રાજ્યપાલએ ધરતીને મા ની તુલના આપતાં કહ્યું કે, જેમ મા સન્માન-મર્યાદાપૂર્વક ઢંકાઈને રહે છે એમ ધરતી મા ને પણ સૂર્યના આકરા સીધા કિરણો ન સ્પર્શે તે માટે ઢાંકીને રાખવી જોઈએ. પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદનનું વિશેષ મહત્વ છે. ધરતીનું તાપમાન 30-35  ડિગ્રી થાય તો તેનું ઓર્ગેનિક કાર્બન ઊડી જાય છે. રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી જમીન વેસાન થઈ ગઈ છે. જમીનમાં રહેતા અળસિયા અને મિત્ર કીટક પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી નષ્ટ થયા છે. તેમણે કહ્યું કે ધરતીની ફળદ્રુપતા પાછી લાવવા પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગોબર ગૌમૂત્રથી થતી પ્રાકૃતિક ખેતીથી મિત્રજીવોની સંખ્યા વધે છે પરિણામે ધરતીની ફળદ્રુપતા પાછી આવે છે અને ખેત ઉત્પાદન વધે છે

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ધરતીમાં યુરિયા-ડીએપી નહીં નાખીએ તો ઉત્પાદન ઓછું થઈ જશે, તેવો ભય બિલકુલ યોગ્ય નથી. પ્રાકૃતિક ખેતી પૂરી પ્રમાણિકતાથી, પદ્ધતિસર કરવામાં આવે તો પહેલા જ વર્ષે રાસાયણિક ખાતરના ઉપયોગથી થતું એટલું જ ઉત્પાદન મળશે અને પછીના વર્ષોમાં તો રાસાયણિક ખાતર કરતાં પણ વધુ અને વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે. નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. પર્યાવરણ સુરક્ષા માટે પ્રયત્નશીલ છે. એટલે તેઓ ઇચ્છે છે કે, વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ પ્રાકૃતિક ખેતીમાં પણ રાષ્ટ્રનું નેતૃત્વ કરે એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદના ત્રીજા દિવસના શુભારંભે પ્રાકૃતિક કૃષિ સંયોજક  દીક્ષિતભાઈ પટેલે સ્વાગત ઉદ્ભોધન કર્યું હતું. આ અવસરે આગામી 24 ડિસેમ્બરે ઑનલાઈન યોજાનારી પ્રથમ International Agriculture Conference on Natural and Organic Farming :  In Context to Bhartiyaના બ્રોશરનું રાજ્યપાલએ વિમોચન કર્યું હતું. બેંકની નોકરી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવનાર પ્રાકૃતિક કૃષિના સહસંયોજક  દિનેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code