1. Home
  2. ગુજરાતી
  3. મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી
મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

0
Social Share

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘નારી શક્તિ વંદન વિધેયક’ (મહિલા અનામત બિલ) પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે જે રાજકીય પક્ષોએ મહિલાઓને તેમના અધિકાર આપવામાં અવરોધ ઊભો કર્યો છે, દેશની મહિલાઓએ તેમને ક્યારેય માફ કર્યા નથી અને ચૂંટણીઓમાં તેમનો હાલ ખરાબ કર્યો છે.

PM મોદીએ કહ્યું કે, “ભૂતકાળમાં જ્યારે પણ મહિલા અનામતની ચર્ચા થઈ ત્યારે વિરોધ કરનારાઓને પરિણામ ભોગવવા પડ્યા છે. 2024ની ચૂંટણીમાં આવું એટલા માટે ન થયું કારણ કે આ વખતે આ બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. તેનાથી કોઈ એક પક્ષને નહીં, પરંતુ દેશની તમામ મહિલાઓને ફાયદો થયો છે.” તેમણે ઉમેર્યું કે જો 25-30 વર્ષ પહેલાં આ બિલ લાગુ થઈ ગયું હોત, તો આજે આપણી લોકશાહી વધુ પરિપક્વ હોત.

વડાપ્રધાને ‘વિકસિત ભારત’ના સંકલ્પને દોહરાવતા કહ્યું કે, “વિકસિત ભારતનો અર્થ માત્ર આધુનિક રેલવે, રસ્તાઓ કે આર્થિક પ્રગતિના આંકડા નથી. સાચા અર્થમાં વિકાસ ત્યારે જ કહેવાશે જ્યારે દેશના નીતિ નિર્ધારણમાં દરેકનો સાથ અને દરેકનો વિકાસ સમાયેલો હોય.” તેમણે ભાર મૂક્યો હતો કે દેશની 50 ટકા વસ્તી એટલે કે મહિલાઓ નીતિ નિર્ધારણનો સીધો હિસ્સો બને તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

21મી સદીના નવા આત્મવિશ્વાસની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત આજે વિશ્વમાં એક નવી સ્વીકૃતિ અનુભવી રહ્યું છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભારતને નવી દિશા આપવાના આ ઐતિહાસિક નિર્ણયના સાક્ષી અને હિસ્સો બન્યા છીએ. હજારો વર્ષ જૂની લોકશાહીની યાત્રામાં આ એક નવો આયામ ઉમેરાયો છે. વડાપ્રધાને અંતમાં જણાવ્યું હતું કે ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર ત્યારે જ સાર્થક થશે જ્યારે મહિલાઓ દેશના ભવિષ્યના નિર્ણયો લેવામાં સમાન હિસ્સેદાર બનશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર વચ્ચે બેઠક, ગ્રીન ટેકનોલોજી અને રોકાણ મુદ્દે ચર્ચા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code