1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થતાં 50ની અટકાયત
વડોદરામાં પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થતાં 50ની અટકાયત

વડોદરામાં પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થતાં 50ની અટકાયત

0
Social Share

વડોદરા, 1 જુન,2026 : 50 detained in clash between police and Dalit community શહેરના બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત સમાજના યુવક સાથે જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો શહેરના જેલ રોડ પર આવેલા પોલીસ ભવન બહાર  વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યાં દલિત સમાજ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ધરણા પ્રદર્શન અચાનક હિંસક બનતા અને ટોળા દ્વારા પોલીસ વાહનોની તોડફોડ કરાતા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની અને ટીંગાટોળી કરીને 50થી વધુ લોકોની અટકાયત કરવાની ફરજ પડી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના બાપોદ પોલીસ સ્ટેશનના સંબંધિત પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ ભવનથી થોડા જ અંતરે આવેલા ચાર રસ્તા પર સમાજના લોકોએ એકત્રિત થઈને ધરણા શરૂ કર્યા હતા. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને આક્રોશિત લોકોએ રોડ પર વાહનો અટકાવીને ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રદર્શનકારીઓની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ જવાનો વચ્ચે સીધું ઘર્ષણ શરૂ થયું હતું. લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસના વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો તેમજ લાકડીઓ વડે સરકારી ગાડીઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ હાથમાંથી જતી જોઈને પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ સહિતના બળપ્રયોગનો આશરો લીધો હતો

ઘટનાની ગંભીરતા અને ઉગ્રતાને ધ્યાનમાં રાખીને ડીસીપી (DCP) ઝોન-2 મંજીતા વણઝારા સહિત પાંચથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી (ACP) અને અન્ય ઉચ્ચ સરકારી અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત, વહીવટી કુનેહ અને સમજાવટ બાદ પોલીસે આખરે સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો. અગમચેતીના ભાગરૂપે હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code