1. Home
  2. ગુજરાતી
  3. પરમાણુ અધિકારો પર કોઈ બાંધછોડ નહીં થાય, ઈરાનનો અમેરિકા-ઈઝરાયેલને સ્પષ્ટ સંકેત
પરમાણુ અધિકારો પર કોઈ બાંધછોડ નહીં થાય, ઈરાનનો અમેરિકા-ઈઝરાયેલને સ્પષ્ટ સંકેત

પરમાણુ અધિકારો પર કોઈ બાંધછોડ નહીં થાય, ઈરાનનો અમેરિકા-ઈઝરાયેલને સ્પષ્ટ સંકેત

0
Social Share

તહેરાન, 16 એપ્રિલ 2026: ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ પરમાણુ સંવર્ધન કાર્યક્રમ અંગે ઈરાનનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ઈરાન પોતાના પરમાણુ અધિકારો પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, બાઘેઈએ ભારપૂર્વક કહ્યું કે પરમાણુ ઉર્જા મેળવવાનો ઈરાનનો અધિકાર આંતરરાષ્ટ્રીય કાયદા અને પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર આધારિત છે.

તેહરાનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા બાઘેઈએ પશ્ચિમી મીડિયામાં ઈરાનના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને લઈને ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, “શાંતિપૂર્ણ પરમાણુ સંવર્ધનનો અધિકાર કોઈ બાહ્ય શક્તિની કૃપા કે છૂટછાટ નથી કે જેને દબાણ લાવીને પાછો ખેંચી શકાય. જ્યાં સુધી ઈરાન એનપીટીનું સભ્ય છે, ત્યાં સુધી તેને સંધિની તમામ જોગવાઈઓનો લાભ મળવો જોઈએ.”

પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલી ઈરાન-અમેરિકા વાટાઘાટો અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોઈ પણ કરાર માટે પહેલા એક વ્યાપક માળખું નક્કી કરવું જરૂરી છે. લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે તેમણે ઈઝરાયેલ પર સીઝફાયરની શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “જો એક પક્ષ પોતાની પ્રતિબદ્ધતાઓ તોડે છે, તો બીજા પક્ષને પણ પોતાની જવાબદારીઓમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે.”

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગેના યુરોપિયન પ્રસ્તાવ પર ટિપ્પણી કરતા બાઘેઈએ જણાવ્યું કે, ઈરાન અને તેના પ્રાદેશિક ભાગીદારો આ મહત્વપૂર્ણ જળમાર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતા સક્ષમ છે. તેમણે ચેતવણી આપી હતી કે, હોર્મુઝ સ્ટ્રેટમાં હાલના અવરોધો અમેરિકા અને ઈઝરાયેલના સંઘર્ષનું પરિણામ છે. બાહ્ય હસ્તક્ષેપથી પ્રાદેશિક સ્થિતિ વધુ જટિલ બની શકે છે. જો અમેરિકાનો હસ્તક્ષેપ બંધ થાય તો ઈરાન પડોશી દેશો સાથે મળીને વિસ્તારમાં સ્થિરતા જાળવી શકે છે.

ઈરાને લેબનોનમાં પ્રતિકાર મોરચાને સમર્થન ઘટાડ્યું હોવાના દાવાઓને બાઘેઈએ સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાને હંમેશા “વૈધ પ્રતિકાર” ને ટેકો આપ્યો છે અને તે ચાલુ જ રહેશે. તેમણે કેટલાક યુરોપિયન દેશો અમેરિકા અને ઈઝરાયેલની વ્યૂહરચનામાં નથી ફસાયા તેને એક હકારાત્મક સંકેત ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code