વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર વચ્ચે બેઠક, ગ્રીન ટેકનોલોજી અને રોકાણ મુદ્દે ચર્ચા
નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટોકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ચાન્સેલર સ્ટોકર વર્ષ 2025માં પદ સંભાળ્યા બાદ તેમના એશિયાના પ્રથમ સત્તાવાર પ્રવાસે ભારત આવ્યા છે. ગઈકાલે બુધવારે નવી દિલ્હી પહોંચ્યા બાદ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ઉભરતી ટેકનોલોજી અને આર્થિક સંબંધોને નવી મજબૂતી આપવાનો છે.
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પૂર્વે ઓસ્ટ્રિયન ચાન્સેલરે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ચાન્સેલરે બાપુના શાંતિ, અહિંસા અને વૈશ્વિક સદભાવના સંદેશને યાદ કરીને તેમને નમન કર્યા હતા. ચાન્સેલર સ્ટોકરે ભારતની વિકાસયાત્રાના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત હાલમાં અંદાજે 7 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત જે રીતે રોકાણ કરી રહ્યું છે તે ઓસ્ટ્રિયા જેવી નવીન નિકાસકાર દેશો માટે મોટી તક છે. દક્ષિણ એશિયામાં ભારત યુરોપિયન યુનિયન (EU) માટે સૌથી મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદાર છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ચાન્સેલરે લખ્યું કે, “વૈશ્વિક અનિશ્ચિતતાના આ યુગમાં મજબૂત ભાગીદારી જ આર્થિક સફળતાની ચાવી છે. હું આગામી ત્રણ દિવસ નવી દિલ્હીમાં છું જેથી ઓસ્ટ્રિયન કંપનીઓ માટે ભારતીય બજારમાં નવી ભાગીદારી અને બજાર પહોંચની તકો ઊભી કરી શકાય.” વિદેશ મંત્રી એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્ટોકર વચ્ચેની આ ઐતિહાસિક મુલાકાતથી બંને દેશો વચ્ચે સહયોગના નવા અને મજબૂત રસ્તાઓ ખુલશે, જે ખાસ કરીને ક્લીન એનર્જી અને સંરક્ષણ ક્ષેત્રે ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચોઃ ઝારખંડ: સારંડાના જંગલોમાં નક્સલીઓનો હુમલો, 5 જવાન ઘાયલ


