Site icon Revoi.in

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદા કેનાલનું પાણી છોડાયુ, જળસપાટીમાં વધારો

Social Share

સુરેન્દ્રનગર, 1 જુન 2026 : Narmada Canal water released in Dholidhaja Dam શહેરની ભાગોળે આવેલો ધાળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. ધાળી ધજા ડેમમાંથી મોરબી સહિત અનેક શહેરોને પાણી પુરૂ પાડવામાં આવે છે, છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરાતા ધાળીધજા ડેમમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. તેના લીધે ડેમની સપાટીમાં ઘટાડો થતાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત અન્ય શહેરોને પુરતા ફોર્સથી પાણી પુરવઠો મળતો નહતો, હવે નર્મદા કેનાલનું મરામતનું કામ પૂર્ણ થતાં ફરીવાર નર્મદા કેનાલથી ડેમમાં પાણી ઠાલવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના લીધે ડેમની સપાટીમાં વધારો થયો છે.

 સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ઢાંકી પંપીંગ સ્ટેશનથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની છોડવણીથી ધોળીધજા ડેમની જળસપાટીમાં વધારો થશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો પુરવઠો વધુ સુગમ અને નિયમિત બનશે. ધોળીધજા ડેમમાં પાણીની આવક વધતાં 6 દરવાજા પૈકી 4 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. જેના કારણે લગભગ 175 ક્યુસેક પાણીની આવક થવાની અપેક્ષા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તંત્ર તરફથી નાગરિકોને પાણીનો બચાવ કરવો, તેનો યોગ્ય ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની વ્યર્થ વપરાશ અટકાવવા અપીલ કરવામાં આવી છે.

ધોળીધજા ડેમમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવતા ડેમનું પાણીનું સ્તર 11 ફૂટ સુધી પહોંચી ગયું હતું. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં જે સૌની યોજના અંતર્ગત પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, તે બંધ કરવામાં આવ્યું હતું. 10 જિલ્લાના પાંચ હજારથી વધુ ગામડાઓ ઉપર તેની સીધી અસર પડી હતી અને ગામડાઓમાં પણ પાણીની સમસ્યા વકરતી જઈ રહી હતી. આ અંગે સરકારમાં અને સ્થાનિક તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતો બાદ આજે નર્મદા વિભાગ, સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ અને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઢાંકી પંપીંગ સ્ટેશનથી લઈને કેનાલ મારફતે હવે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને ડેમના ચાર દરવાજા ખોલીને પાણી આગળ વધારવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version