
- ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન
- CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત
- નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી
ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી. ભારતના નાગરિક મુસ્લિમોને CAAથી કોઇ નુકસાન થશે નહીં. તેમણે કહ્યું કે, વિભાજન બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. આપણે આજ સુધી તેનું પાલન કરી રહ્યા છીએ. પાકિસ્તાને તેમ કર્યું નથી.
CAA અંગે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, CAAથી કોઇ મુસ્લિમોને સમસ્યા ના હોવી જોઇએ. CAA અને NRCને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઇ લેવા-દેવા નથી. રાજકીય લાભ લેવા માટે તેને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.
આ સાથે તેમણે કહ્યું- 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસ થયા, એવો વિચાર હતો કે જનસંખ્યા વધારી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીશું અને પછી દેશને પાકિસ્તાન બનાવીશું. આ વિચાર પંજાબ, સિંધ, અસમ અને બંગાળ વિશે હતો. કેટલીક માત્રામાં આ સત્ય થયું, ભારતનું વિખંડન થયું અને પાકિસ્તાન થઈ ગયું. પરંતુ જેવું જોઈતું હતું તેમ ન થયું.
આપણે વિશ્વ પાસેથી ધર્મનિરપેક્ષતા, સમાજવાદ, લોકતંત્ર વગેરે અંગે શીખવાની કોઇ આવશ્યકતા નથી કારણ કે એ બધુ તો આપણી પરંપરા અને લોહીમાં છે. આપણે દેશે તેને લાગૂ કર્યું છે અને જીવિત રાખ્યું છે તેવું તેમણે કહ્યું હતું.
નોંધનીય છે કે, RSS પ્રમુખ મોહન ભાગવત અસમની બે દિવસીય યાત્રાએ પહોંચ્યા હતા. અસમમાં ભાજપની સત્તામાં વાપસી બાદ ભાગવતની રાજ્યમાં પ્રથમ યાત્રા છે. મોહન ભાગવતે અસમના વિવિધ ક્ષેત્રો અને અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા રાજ્યોમાં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક યોજી છે.