1. Home
  2. ગુજરાતી
  3. NEET-UG રી-એક્ઝામમાં નવું એડમિટ કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત
NEET-UG રી-એક્ઝામમાં નવું એડમિટ કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત

NEET-UG રી-એક્ઝામમાં નવું એડમિટ કાર્ડ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત

0
Social Share

નવી દિલ્હી, 19 જૂન 2026: નીટ-યુજી 2026 ની ફરીથી લેવાનારી પરીક્ષા (રી-નીટ) પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ ઉમેદવારો માટે નવી અને કડક ગાઇડલાઇન્સ જારી કરી છે. પરીક્ષામાં બેસનારા તમામ વિદ્યાર્થીઓએ નવું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું પડશે, કારણ કે ગત ૩ મેના રોજ આયોજિત પરીક્ષાના પ્રવેશ પત્રો હવે માન્ય રહેશે નહીં. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા તમામ ઉમેદવારો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું ફરજિયાત રહેશે.

પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત, નકલરહિત અને પારદર્શક બનાવવા માટે એજન્સી દ્વારા આ વખતે અનેક નવા સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એનટીએએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે, “જે વિદ્યાર્થીઓએ ૨૧ જૂનની નીટ યુજી પરીક્ષા માટે પોતાના નવા એડમિટ કાર્ડ અગાઉથી જ ડાઉનલોડ કરી લીધા છે, તેમણે ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્સી દ્વારા મોકલવામાં આવી રહેલા એસએમએસ, ઇમેઇલ કે વોટ્સએપ મેસેજ માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે જેમણે હજુ સુધી નવું એડમિટ કાર્ડ મેળવ્યું નથી.” એજન્સીએ ઉમેર્યું કે, ૩ મેના રોજ જાહેર કરાયેલા એડમિટ કાર્ડ હવે ચાલશે નહીં, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરોમાં નવા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી ૨૧ જૂનનું નવું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ સાથે રાખવી અનિવાર્ય છે.

  • પરીક્ષા કેન્દ્ર પર થશે સઘન બાયોમેટ્રિક ચેકિંગ

પરીક્ષાના દિવસે સુરક્ષા તપાસ (ફ્રિસ્કિંગ) પૂર્ણ થયા બાદ, તમામ ઉમેદવારોએ ક્લાસરૂમમાં પ્રવેશતા પહેલા બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ (આંગળીઓના નિશાન) અને ફેસ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) સામેલ હશે. આ સમગ્ર પ્રક્રિયા પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પૂરી કરી લેવામાં આવશે જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે. જો કોઈ ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનિકલ કે અન્ય કોઈ વ્યાજબી કારણોસર પૂર્ણ ન થઈ શકે, તો પણ તેને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આવા કિસ્સામાં ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર એક લેખિત અંડરટેકિંગ (બાંહેધરી પત્ર) ભરવું પડશે.

  • છૂટ મળવા પાછળના મુખ્ય કારણો:

બાયોમેટ્રિક ઉપકરણમાં તકનીકી ખામી સર્જાવી.
બાયોમેટ્રિક ડેટાની ગુણવત્તા નબળી હોવી.
આધાર (UIDAI) સર્વર સાથે કનેક્ટિવિટીની સમસ્યા થવી.
ઉમેદવાર શારીરિક રીતે બાયોમેટ્રિક ડેટા આપવા સક્ષમ ન હોય.

  • પરીક્ષાનું સમયપત્રક

રી-નીટ 2026ની પરીક્ષા 21 જૂના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 5.15 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે. જ્યારે વધારાના સમય માટે પાત્રતા ધરાવતા PwD/PwBD વર્ગના ઉમેદવારો માટે પરીક્ષાનો સમય સાંજના 6.20 વાગ્યા સુધીનો રહેશે. એનટીએએ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને સહયોગ આપવા અપીલ કરી છે. જો કોઈ ઉમેદવાર યોગ્ય અને કાનૂની કારણ વગર બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનો ઇનકાર કરશે, તો તેને પરીક્ષાના નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં ઉમેદવાર વિરુદ્ધ પબ્લિક એક્ઝામિનેશન (અનુચિત સાધનોની રોકથામ) એક્ટ, 2024 હેઠળ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code