Homeગુજરાતીભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ: ઘૂસણખોરી અને તસ્કરી મુદ્દે બંને દેશો આમને-સામને

ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ: ઘૂસણખોરી અને તસ્કરી મુદ્દે બંને દેશો આમને-સામને

નવી દિલ્હી, 19 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો મુદ્દો ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે સંસદમાં ભારતીય સીમા સુરક્ષા દળની કાર્યવાહીને “માનવાધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોના મોતના મુદ્દાને તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી બીએસએફ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ની બેઠકમાં જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો.

જોકે, આ મામલે ભારતનું વલણ હંમેશાની જેમ એકદમ સ્પષ્ટ રહ્યું છે. નવી દિલ્હીએ મક્કમતાથી જણાવ્યું છે કે સરહદ પર બનતી મોટાભાગની ઘટનાઓ ગેરકાયદેસર ઘૂસણખોરી, પશુઓની તસ્કરી, ડ્રગ્સ-હથિયારોની હેરાફેરી અને માનવ તસ્કરી જેવા ગુનાઓ સાથે જોડાયેલી હોય છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઘણી વખત હિંસક તસ્કરો અને ઘૂસણખોરો સુરક્ષા દળો પર ઘાતક હુમલા કરે છે, જેના કારણે જવાનોએ આત્મરક્ષણમાં જવાબી કાર્યવાહી કરવી પડે છે. 11 જૂનના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ચાર દિવસીય મહાનિર્દેશક સ્તરની વાટાઘાટોમાં ભારતીય પક્ષે પણ પોતાની ચિંતાઓ ખુલ્લેઆમ રજૂ કરી હતી. ભારતે બીએસએફ જવાનો અને ભારતીય નાગરિકો પર થતા હુમલા, સરહદની કાંટાળી વાડને નુકસાન પહોંચાડવા અને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના પ્રયાસો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4096 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે, જે વિશ્વની સૌથી જટિલ અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સરહદોમાં ગણાય છે. આ સરહદનો મોટો હિસ્સો ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાંથી પસાર થાય છે. સુરક્ષા નિષ્ણાતોના મતે સરહદી તણાવ પાછળ ગેરકાયદેસર ઘૂસણખોરી અને સ્થળાંતર, પશુઓ, નશીલા પદાર્થો અને હથિયારોની મોટા પાયે તસ્કરી, આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનું સક્રિય નેટવર્ક, સરહદ પર લગાવેલી સુરક્ષા વાડને તોડવાના પ્રયાસો તથા ભારતીય સુરક્ષા દળો અને સશસ્ત્ર તસ્કરો વચ્ચે હિંસક અથડામણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

  • કાયમી શાંતિ માટે ભારતનો પ્રસ્તાવ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં કોઈ મોટો પ્રાદેશિક કે જમીન સંબંધી વિવાદ નથી. વર્ષ ૨૦૧૫માં બંને દેશોએ ઐતિહાસિક ભૂમિ સરહદ કરાર લાગુ કરીને દાયકાઓ જૂના ‘છિટમહલ’ વિવાદનો કાયમી ઉકેલ લાવી દીધો હતો. હાલનો મુખ્ય વિવાદ માત્ર સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પૂરતો જ મર્યાદિત છે. ભારતનું માનવું છે કે સરહદને સુરક્ષિત રાખવી અને સરહદ પારના ગુનાઓ પર રોક લગાવવી એ દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તાજેતરના વર્ષોમાં બીએસએફ દ્વારા સરહદ પર બિન-ઘાતક ઉપાયોનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. જોકે, સ્થાયી શાંતિ માટે બંને દેશોએ સંયુક્ત પેટ્રોલિંગ, ઇન્ટેલિજન્સ શેરિંગ (ગુપ્ત માહિતીની આપ-લે) અને તસ્કરી વિરોધી અભિયાનોમાં પરસ્પર સહયોગ વધારવો પડશે, તો જ હિંસાની ઘટનાઓમાં ઘટાડો લાવી શકાશે.

સંબંધિત લેખો

Most Popular