BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે નીતિન નબીને ઉમેદવારી નોંધાવી, જાણો શું છે ભાજપની આગામી રણનીતિ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપા પોતાની રાજકીય પક્કડને વધારે મજબુત બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. નીતિન નબીનને ભાજપના અધ્યક્ષ બનાવવા અને મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થતા પહેલા સંગઠન અને સરકાર એમ બંને સ્તરે જોરદાર ફેરફાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન આજે નીતિન નબીનએ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપાના રાષ્ટ્રીય સંગઠન ટીમમાં ઝડપથી પુનઃગઠન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને યુવા ચહેરાઓને સ્થાપન આપવામાં આવશે. નવા પદાધિકારીઓની વધારેમાં વધારે ઉંમર 55 વર્ષ સુધીની હોઈ શકે છે. રાજ્યોમાં નવા ચહેરાને લાવીને તેમને રાષ્ટ્રીય સ્તર ઉપર ખાસ જવાબદારી સોંપવામાં આવશે. આ ફેરફાર આગામી 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર પાર્ટીનો ઈરાદો સંગઠનને વધારે મજબુત બનાવવાનો, કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા અને રાજકીય સંદેશને સ્પષ્ટ અને અસરદાર બનાવવાનો છે. નવી ટીમમાં એવા નેતાઓને પ્રાથમિકતા મળશે જે પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય અને તેમની પૃષ્ઠભૂમિ સંઘની હોય. જો કે, કેટલાક નેતાઓ બહારથી પણ સામેલ કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકાર મંત્રીઓના કામકાજ અને જવાબદારીઓની પણ સમીક્ષા કરી રહી છે. હાલના મંત્રીમંડળમાં 2021 બાદ વધારે ફેરફાર નથી થયો, કેટલાક મંત્રીઓ બે-બે વિભાગ સંભાળી રહ્યા છે, તેમજ પોતાના રાજકીય કેરિયરના અંતિમ તબક્કામાં છે. નવી સંગઠન ટીમ બન્યા બાદ મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શકયતાઓ છે.


