નીતિશકુમારે વિધાનપરિષદમાંથી, નીતિન નવીને વિધાનસભામાંથી આપ્યાં રાજીનામાં
પટણા, 30 માર્ચ, 2026 – Nitish Kumar – Nitin Naveen બિહારના રાજકારણના હાલના બે મહત્ત્વના નેતા- નીતિશકુમાર તથા નીતિન નવીને રાજીનામાં આપ્યાં છે. નીતિશકુમારે એમએલસી પદેથી અર્થાત વિધાનપરિષદમાંથી અને નીતિન નવીને એમએલએ પદેથી અર્થાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ બંને નેતા થોડા દિવસ પહેલાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બિહારમાંથી ચૂંટાઈ આવ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આખરે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમાર રાજ્યસભા માટે ચૂંટાયા છે. JDU ના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય ચૌધરીએ જણાવ્યું કે નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે, જે હવે સભાપતિને સોંપવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે? નીતિન નવીને પણ MLA પદેથી રાજીનામું આપી દીધું છે. નીતિન નવીનને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ પણ રાજ્યસભા માટે ચૂંટાયા છે.
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ?
JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર 16 માર્ચના રોજ સંસદના ઉપલા ગૃહ (રાજ્યસભા) માટે ચૂંટાયા હતા. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, MLC સભ્યપદ છોડવા માટે નિર્ધારિત 14 દિવસની મુદત સોમવાર એટલે કે આજે (30 માર્ચ) પૂર્ણ થઈ રહી છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય કુમાર ઝાએ ગયા અઠવાડિયે પત્રકારોને જણાવ્યું હતું કે, “બંધારણમાં એવી જોગવાઈ છે કે 14 દિવસની અંદર રાજીનામું આપવું જોઈએ, તે મુજબ જ પ્રક્રિયા થશે.” તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાને જ બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને રાજીનામું સોંપ્યું છે. નીતિશ કુમારે છેલ્લીવાર 2004 માં નાલંદાથી લોકસભાની ચૂંટણી લડી હતી, ત્યારથી તેઓ સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.
નીતિશ કુમારના રાજીનામા બાદ બિહારના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. સત્તારૂઢ ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે અને રાજકીય વર્તુળોમાં અનેક નામો પર અટકળો લગાવવામાં આવી રહી છે.
નીતિન નવીને બિહારની જનતાને કર્યું ભાવુક સંબોધન
નીતિન નવીન પણ હાલમાં જ રાજ્યસભા માટે ચૂંટાયા છે. સંસદના ઉપલા ગૃહમાં પોતાની નવી સફર શરૂ કરતા પહેલા તેમણે બાંકીપુરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. બિહાર વિધાનસભા કાર્ય સંચાલન નિયમાવલી હેઠળ, જો કોઈ સભ્ય બીજા ગૃહ માટે નિર્વાચિત થાય છે, તો તેણે 14 દિવસની અંદર રાજીનામું આપવું પડે છે. 16 માર્ચના રોજ નીતિન નવીન, મુખ્યમંત્રી નીતિશ કુમાર, શિવેશ કુમાર, ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુર રાજ્યસભા માટે નિર્વાચિત થયા હતા. આથી, આજે એટલે કે 30 માર્ચના રોજ 14 દિવસની ડેડલાઇન પૂર્ણ થઈ છે.
बांकीपुर और बिहार के मेरे सभी परिवारजन एवं कार्यकर्ता साथी,
जनवरी 2006 में पिताजी के आकस्मिक निधन के बाद पार्टी ने मुझे पटना पश्चिम से उपचुनाव लड़ने का अवसर दिया और दिनांक 27 अप्रैल 2006 को मैं पहली बार पटना पश्चिम क्षेत्र से निर्वाचित होकर सामाजिक एवं राजनीतिक जीवन की शुरुआत… pic.twitter.com/IHhLpd0aJD
— Nitin Nabin (@NitinNabin) March 30, 2026
નીતિન નવીને રાજીનામાની જાહેરાત કરતા એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે યાદ કર્યું કે કેવી રીતે જાન્યુઆરી 2006 માં તેમના પિતા અને વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના અવસાન બાદ, તેમણે એપ્રિલ 2006 માં પટના પશ્ચિમથી પેટાચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા 20 વર્ષનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “પિતાજી દ્વારા સીંચવામાં આવેલા આ ક્ષેત્રને મેં હંમેશા મારા પરિવારની જેમ સમજ્યું છે. બાંકીપુરની દેવતુલ્ય જનતાએ મને સતત 5 વાર પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને જે સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે, તે મારા માટે અમૂલ્ય છે.”


