1. Home
  2. ગુજરાતી
  3. નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, કનાડિયન પોલીસે સ્વિકાર્યું
નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, કનાડિયન પોલીસે સ્વિકાર્યું

નિજ્જર હત્યાકાંડમાં ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, કનાડિયન પોલીસે સ્વિકાર્યું

0
Social Share

ઓટાવા, 8 જુલાઈ 2026: કનેડાના બ્રિટિશ કોલંબિયામાં વર્ષ 2023 માં થયેલા ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ચકચારી કેસમાં ભારત માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. કનેડાની કેન્દ્રીય પોલીસ એજન્સી ‘રોયલ કનેડિયન માઉન્ટેડ પોલીસ’એ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, નિજ્જર હત્યાકાંડમાં ભારત સરકાર કે તેના કોઈ પણ અધિકારી સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ જાહેરાત સાથે જ કનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો ફરી એકવાર પાયાવિહોણા સાબિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં જસ્ટિન ટ્રુડોએ કનેડાની સંસદમાં દાવો કર્યો હતો કે આ હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભારત અને કનેડાના રાજદ્વારી સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ હતી. ભારતે આ આરોપોને સરેઆમ ફગાવી દઈને પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો.

મીડિયા સાથે વાતચીત કરતા રોયલ કનેડિયન માઉન્ટેડ પોલીસના ડેપ્યુટી કમિશનર લીસા મોરલેન્ડે જણાવ્યું હતું કે, “નિજ્જર હત્યા કેસની તપાસ દરમિયાન ભારત સરકાર કે ભારતીય સત્તાધીશોને આ ગુના સાથે સાંકળતો કોઈ કડીરૂપ પુરાવો હાથ લાગ્યો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જે સંગઠિત ક્રાઈમ નેટવર્કની તપાસ ચાલી રહી છે, તેમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણી હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. જો કે, આ હત્યા અંગેની અન્ય કાનૂની તપાસ હજુ ચાલુ હોવાથી તેમણે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો.

  • લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર પર લાગ્યો હત્યાનો આરોપ

કનેડિયન પોલીસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની તપાસ એજન્સીઓએ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાર સામે નિજ્જરની હત્યાના ઔપચારિક આરોપો નક્કી કર્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં દાખલ કરાયેલા ફેડરલ ચાર્જશીટ મુજબ, 18 જૂન 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરાવવાનો આદેશ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે આપ્યો હતો.

અમેરિકી તપાસ એજન્સીના દસ્તાવેજોમાં દાવો કરાયો છે કે, ભારતીય જેલમાં બંધ હોવા છતાં લોરેન્સ બિશ્નોઈ સ્મગલિંગ કરીને મંગાવેલા મોબાઈલ ફોન દ્વારા જેલના સળિયા પાછળથી આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો હતો. તેણે તેના સહ-સાજિશકર્તાને નિજ્જરની તસવીરો અને તેના ઘર-ઓફિસના સરનામા મોકલ્યા હતા જેથી રેકી કરીને હત્યાને અંજામ આપી શકાય. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા સઘન ઓપરેશન ‘હાર્ડ બોલ’ હેઠળ એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિજ્જરની હત્યા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ઈશારે જ થઈ હતી.

હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂન 2023ના રોજ ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારાના પાર્કિંગમાં બે નકાબપોશ હુમલાખોરોએ કરી હતી. નિજ્જર ભારત વિરોધી પ્રતિબંધિત આતંકી સંગઠન ‘સિખ ફોર જસ્ટિસ’ સાથે સંકળાયેલો હતો અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ફેલાવવા બદલ ભારત સરકારે તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code