Homeગુજરાતીગુજરાતગુજરાત યુનિવર્સિટી નજીક બિસ્માર રસ્તાઓના મુદ્દે NSUIએ રોડ બ્લોક કરીને કર્યો વિરોધ

ગુજરાત યુનિવર્સિટી નજીક બિસ્માર રસ્તાઓના મુદ્દે NSUIએ રોડ બ્લોક કરીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે તેમજ પીઆરએલ અને એલડી આર્ટસ કોલેજ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. આ રસ્તા પર પાકો ડામર રોડ વર્ષો પહેલા મ્યુનિ.કોર્પોરેશને બનાવી આપ્યો હતો. હવે આ રસ્તો મ્યુનિનો છે કે યુનિવર્સિટીનો તે મામલે વિવાદ ચાલી રહ્યો છે.તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેને લઈને  NSUI દ્વારા 20 મિનિટ સુધી ગુજરાત યુનિવર્સિટીની બહારનો રસ્તો બંધ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર NSUI ના કાર્યકરો સુઈ ગયા હતા અને વાહન ચાલકોને રોકી દીધા હતા.

ગુજરાત યુનિવર્સિટીના બાબા સાહેબ આંબેડકર ગેટ પાસેનો રસ્તો છેલ્લા 2 વર્ષથી તૂટેલી હાલતમાં છે.આ તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓ તથા અન્ય રાહદારીઓને અકસ્માત પણ થાય છે.નવો રસ્તો બનાવવા અનેક વખત રજુઆત કરવામાં આવી છે તે છતાં રસ્તો ના બનતા આજે NSUI દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર NSUIના કાર્યકરોએ વાહનો આડા કરી દીધા હતાં અને કાર્યકરોએ રોડ પર જ સુઇ જઈને વિરોધ કર્યો હતો.જોકે પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.આ અંગે NSUI ના સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા વિવિધ ભવનો બનાવવામાં આવે છે પરંતુ તૂટેલ રોડ રસ્તા અંગે રજુઆત કરી છતાં નવા બનાવવાં આવતા નથી.રોજ 3-4 લોકોનો અકસ્માત થાય છે.હજુ બનાવવામાં નહીં આવે અને ગંભીર અકસ્માત થશે. તો જવાબદારી કુલપતિની રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસેથી એલડી એન્જિનિરિંગ, પીઆરએલ, કુલપતિનું નિવાસસ્થાન, પોલીસ સ્ટેશન અને એલડી આર્ટ્સ કોલેજ અને ત્યાંથી હેલ્મેટ સર્કલ તરફ જતો રસ્તો ઘણા વખતથી ખૂબજ જ બિસ્માર બની ગયો છે. આ રસ્તાની મરામર માટે અનેકવાર રજુઆતો કરવા છતાં કોઈ દરકાર લેતું નથી. મ્યુનિ,કોર્પોરેશને તો રસ્તાની મરામત માટે હાથ ઊંચા કરી દીધા છે.

સંબંધિત લેખો

Most Popular