1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન
સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદ શહેરના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 93મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરતું અંગદાન કર્યું છે.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 16મી ઓક્ટોબરના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતાં હોસ્પિટલના તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. વટવાના આ મુસ્લિમ પરિવારે માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરવા અને પોતાના દીકરાનાં અંગો અન્ય કોઈ પણ સમાજના વ્યક્તિ જે પીડિત અને જરૂરિયાતમંદ હોય તેને મળે તો આનાથી પુણ્યનું કામ બીજુ શું હોઈ શકે તેવી વિચારધારા સાથે અંગદાનનો સંવેદનશીલ અને માનવતાવાદી નિર્ણય કર્યો. અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગોને રીટ્રાઇવલ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં પાંચથી છ કલાકની જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવ્યું હતું કે, બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગદાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 93 અંગદાન થયાં છે. જેમાં અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ કચ્છના એક મુસ્લિમ પરિવારે પણ અંગદાન કર્યું હતું. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ કોમી એખલાસનું પ્રતીક સમું આ અંગદાન બની રહ્યું છે.

રૂબેનભાઇના અંગદાન વેળાએ સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં પણ કોમી એખલાસનાં દૃશ્યો સર્જાયાં હતાં. બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જતા પહેલાં કરવામાં આવતી પ્રાર્થના સમયે એક બાજું ઇશ્વરને પ્રાર્થના અને બીજુ બાજું પરવર દીગારને કલમા પઢતા કોમી એખલાસનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિલમાં અત્યાર સુધીમાં થયેલાં 93 અંગદાનમાં મળેલાં ૨૯૪ જેટલાં અંગોના પરિણામે 272 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના પ્રયાસોના પરિણામે સિવિલ હોસ્પિટલ અમદાવાદે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી માનવતાની મહેક આજે રાજ્યના ખૂણે ખૂણે પ્રસરી છે. જેના કારણે અમદાવાદ ઉપરાંત સુરત, જુનાગઢ, રાજકોટ, જામનગર સહિતનાં શહેરોમાં પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અંગદાન શક્ય બન્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code