Site icon Revoi.in

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આપી BCCIને આપી ગર્ભીત ધમકી

Social Share

લાહોરઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર ભારત અને બીસીસીઆઈને ગર્ભીત ધમકી આપી હતી. નકવીએ કહ્યું છે કે પાકિસ્તાન માટે ભવિષ્યમાં કોઈપણ ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરવો શક્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમની ટીમ પણ ભારતનો પ્રવાસ નહીં કરે.

બીસીસીઆઈએ હાલમાં જ આઈસીસીને કહ્યું હતું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. ત્યારથી ચેમ્પિયન્સ ટ્રોફીના ભાવિને લઈને સવાલો થઈ રહ્યાં છે. ટૂર્નામેન્ટને અન્ય દેશમાં પણ યોજવા માટે વાતચીત ચાલી રહી છે. ICCએ અંતિમ નિર્ણય લેવા માટે શુક્રવારે તેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોની બેઠક બોલાવી છે. આ મીટિંગ પહેલા નકવીએ કહ્યું હતું કે, ‘એવું શક્ય નથી કે દરેક વખતે પાકિસ્તાન દરેક ટુર્નામેન્ટમાં રમવા માટે ભારત જાય અને ભારતીય અધિકારીઓ તેમની ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલવાની ના પાડે.’ નકવી બુધવારે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા ગદ્દાફી સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે કહ્યું- આપણે અહીં આવી અસમાન સ્થિતિ ન હોઈ શકે.

જોકે, નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ‘હાઇબ્રિડ’ મોડલ અપનાવવા પર યુ-ટર્ન લીધો હતો. અગાઉ તેમણે કહ્યું હતું કે PCB ક્યારેય હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ યોજવાનું સ્વીકારશે નહીં. ગયા વર્ષે એશિયા કપ હાઇબ્રિડ મોડલમાં જ રમાયો હતો. ભારતની મેચો શ્રીલંકામાં અને બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાઈ હતી. આ જ પ્રસ્તાવ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને કરવામાં આવ્યો હતો, જેના પર પાકિસ્તાને શરૂઆતમાં ઈન્કાર કર્યા બાદ હવે યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે, ‘હું માત્ર એટલું જ આશ્વાસન આપી શકું છું કે બેઠકમાં જે પણ થશે, અમે સારા સમાચાર અને નિર્ણયો લઈને આવીશું જેને અમારા લોકો સ્વીકારશે.’

નકવીએ આશા વ્યક્ત કરી કે 5 ડિસેમ્બરે ICCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર જય શાહ વિશ્વ ક્રિકેટ અને તમામ સભ્ય બોર્ડના હિતમાં નિર્ણય લેશે. તેમણે કહ્યું, ‘જય શાહ ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળશે અને મને ખાતરી છે કે એક વખત તે BCCIમાંથી ICCમાં જશે, તે ICCના ફાયદા વિશે વિચારશે અને તેમણે તે જ કરવું જોઈએ.’

તેમણે કહ્યું કે, ‘જ્યારે પણ કોઈ વ્યક્તિ આવી ભૂમિકા ભજવે છે, ત્યારે તેમણે માત્ર તે સંસ્થાના હિતોનો વિચાર કરવો જોઈએ.’ એવા અહેવાલો હતા કે પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ સ્વીકારવા માટે વધારાના નાણાકીય પ્રોત્સાહનોની ઓફર કરવામાં આવી હતી, પરંતુ નકવી મક્કમ રહ્યા હતા. નકવીએ કહ્યું કે આવા તમામ નિર્ણયો અને આઈસીસીની બેઠકના પરિણામની જાણકારી પાકિસ્તાન સરકારને આપવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે.

Exit mobile version