1. Home
  2. ગુજરાતી
  3. લો બોલો, પાકિસ્તાને 3 આતંકીઓને બનાવ્યાં શાંતિદૂત, યુદ્ધ રોકવા કાબુલ મોકલ્યાં
લો બોલો, પાકિસ્તાને 3 આતંકીઓને બનાવ્યાં શાંતિદૂત, યુદ્ધ રોકવા કાબુલ મોકલ્યાં

લો બોલો, પાકિસ્તાને 3 આતંકીઓને બનાવ્યાં શાંતિદૂત, યુદ્ધ રોકવા કાબુલ મોકલ્યાં

0
Social Share

કાબુલ, 11 માર્ચ 2026: અફઘાનિસ્તાન સાથે સરહદી સંઘર્ષ અને વધતા જતા આતંકી હુમલાઓથી ઘેરાયેલા પાકિસ્તાને હવે એક અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાન સરકારે અફઘાન તાલિબાન સાથે સમાધાન કરવા માટે કોઈ રાજદ્વારીને બદલે 3 કુખ્યાત આતંકવાદીઓને ‘શાંતિદૂત’ બનાવીને કાબુલ મોકલ્યા છે. પાકિસ્તાન ઈચ્છે છે કે આ આતંકીઓ પોતાના જૂના સંબંધોનો ઉપયોગ કરીને તાલિબાનને હુમલા રોકવા માટે મનાવે. પાકિસ્તાને આતંકવાદી ફઝલુર રહેમાન ખલીલ, અબ્દુલ્લા શાહ મઝહર અને કારી સાજિદ ઉસ્માનીને કાબુલ મોકલ્યાં છે.

ફઝલુર રહેમાન ખલીલ હરકત-ઉલ-મુજાહિદ્દીનનો પૂર્વ ચીફ અને ઓસામા બિન લાદેનનો અત્યંત નજીકનો સાથી મનાય છે. હાલમાં તે POK માં બે મદ્રેસા ચલાવે છે જ્યાં આતંકીઓને તાલીમ આપવામાં આવે છે. તાલિબાન લડવૈયાઓ સાથે તેના જૂના અને મજબૂત સંબંધો છે. અબ્દુલ્લા શાહ મઝહર (પીર મઝહર શાહ) તેને જૈશ-એ-મોહમ્મદના આકા મસુદ અઝહરનો ખાસ માણસ માનવામાં આવે છે. તે POK માં આતંકી ગતિવિધિઓનું સંચાલન કરે છે અને હાલમાં ‘તહરીક-એ-ગલ્બા-એ-ઇસ્લામ’ નામની પાર્ટીનો પ્રમુખ છે. કારી ઉસ્માન અગાઉ સોવિયત સંઘ વિરુદ્ધના જિહાદમાં સક્રિય હતો. તેના પરિવારના સંબંધો અફઘાન અને સાઉદી અરેબિયાના કટ્ટરપંથી જૂથો સાથે હોવાથી તેને મધ્યસ્થી માટે પસંદ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન સરકારે અગાઉ ચીન, કતાર, સાઉદી અને તુર્કી દ્વારા અફઘાન તાલિબાન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. પાકિસ્તાનની માંગ હતી કે, તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદા પાકિસ્તાન વિરુદ્ધ આતંકી હુમલા રોકવા માટે એક ‘ફતવો’ બહાર પાડે. જોકે, તાલિબાને આ માંગને ફગાવી દેતા કહ્યું કે, “આતંકવાદ એ પાકિસ્તાનનો આંતરિક મામલો છે.”

પાકિસ્તાનની હાલત અત્યારે કફોડી છે. એકતરફ ઈરાન સાથે સરહદ પર જંગ જેવી સ્થિતિ છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન સાથેના સંઘર્ષને કારણે વેપાર ઠપ્પ થઈ રહ્યો છે. ઈસ્લામાબાદમાં આર્થિક કટોકટી એટલી ઘેરી બની છે કે, પાકિસ્તાનને હવે વધુ એક યુદ્ધ પરવડી શકે તેમ નથી. આથી જ, આતંકી નેતાઓને કાબુલ મોકલીને કોઈપણ રીતે યુદ્ધવિરામ કરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ અંગે મૌન સેવ્યું છે અને વડાપ્રધાન કાર્યાલય આ ત્રણેયને માત્ર ‘ધાર્મિક નેતાઓ’ ગણાવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું આ આતંકી ‘શાંતિદૂતો’ પાકિસ્તાનને અફઘાનિસ્તાનના પ્રહારથી બચાવી શકે છે કે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code