પાકિસ્તાની પ્રોપેગેન્ડાનો પર્દાફાશ: AI દ્વારા બનાવેલા યુદ્ધના નકલી વીડિયો ફેલાવતું મોટું નેટવર્ક ઝડપાયું
નવી દિલ્હી, 6 માર્ચ 2026: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર પાકિસ્તાનથી ઘડાયેલા એક મોટા કાવતરાનો પર્દાફાશ થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નો દુરુપયોગ કરીને યુદ્ધના નકલી વીડિયો ફેલાવવા માટે પાકિસ્તાનના એક શખ્સ દ્વારા ચલાવવામાં આવતા નેટવર્કની ઓળખ કરવામાં આવી છે. ‘એક્સ’ ના પ્રોડક્ટ હેડ નિકિતા બિયરે આ બાબતનો ખુલાસો કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
નિકિતા બિયરે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં બેઠેલો એક શખ્સ 31 જેટલા અલગ-અલગ એકાઉન્ટ્સ મેનેજ કરી રહ્યો હતો. આ તમામ એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા હતા અને 27 ફેબ્રુઆરીના રોજ તેમના યુઝરનેમ બદલીને ‘ઈરાન વોર મોનિટર’ અથવા તેને મળતા આવતા નામ કરી દેવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા એઆઈની મદદથી બનાવેલા યુદ્ધના વીડિયો પોસ્ટ કરીને લોકોમાં ભ્રમ પેદા કરવાની કોશિશ કરવામાં આવતી હતી.
જ્યારે નિકિતા બિયરને પૂછવામાં આવ્યું કે, શું આ પ્રોપેગેન્ડા માટે કોઈ તેને પૈસા આપી રહ્યું હતું, ત્યારે તેમણે જણાવ્યું કે, આ એવા લોકો છે જેઓ ઝડપથી પેમેન્ટ કમાવા માંગે છે. એક્સની ટીમ આવા યુઝર્સને ઝડપથી ટ્રેક કરી રહી છે. પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાવીને ક્રિએટર રેવેન્યુ શેરિંગ પ્રોગ્રામ દ્વારા કમાણી કરવા માંગતા તત્વો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે.
યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં ખોટી માહિતી ફેલાવવી ખતરનાક સાબિત થઈ શકે છે. એક્સના પ્રોડક્ટ હેડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ યુઝર એઆઈ ની મદદથી યુદ્ધના વીડિયો પોસ્ટ કરે છે અને તે ફૂટેજ એઆઈ જનરેટેડ હોવાની જાણકારી નથી આપતો, તો તેને પ્લેટફોર્મના ‘ક્રિએટર રેવેન્યુ શેરિંગ પ્રોગ્રામ’ માંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જો કોઈ યુઝર બીજી વાર એઆઈ પોલિસીનું ઉલ્લંઘન કરશે, તો તેને કાયમ માટે કમાણી કરતા અટકાવી દેવામાં આવશે.
આજની એઆઈ ટેકનોલોજી સાથે એવું કન્ટેન્ટ બનાવવું સરળ બની ગયું છે જે આબેહૂબ સાચું લાગે અને લોકોને ગુમરાહ કરી શકે. યુદ્ધના સમયે ગ્રાઉન્ડ લેવલની સાચી માહિતી લોકો સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. પાકિસ્તાનથી સંચાલિત આ નેટવર્કનો પર્દાફાશ થતા સોશિયલ મીડિયા પર સુરક્ષા અને મોનિટરિંગ વધુ સખત બનાવવાની માંગ ઉઠી છે.


