સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ વિપક્ષનો નીટ પેપર લીક અને રામ મંદિર દાન ચોરી મામલે ભારે હોબાળો
નવી દિલ્હી, 20 જુલાઈ 2026: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ ગયું છે, પરંતુ પ્રથમ દિવસે જ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોના ભારે હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. નીટ પેપર લીક અને રામ મંદિરમાં ચંદા ચોરીના મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં સ્પીકરના આસન સુધી પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને પગલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
સૂત્રોચ્ચારથી ગૃહની મર્યાદા જળવાતી નથી: સ્પીકર ઓમ બિરલા
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદો પ્લેકાર્ડ્સ સાથે સ્પીકરના આસન નજીક ધસી આવ્યા હતા અને સરકાર વિરોધી નારેબાજી શરૂ કરી હતી. વિપક્ષી સાંસદો આ બંને મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગ કરી રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંત રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, “સદનની અંદર સાર્થક ચર્ચા થવી જોઈએ. નિયમો હેઠળ તમામ સભ્યોને બોલવાની તક મળશે. નારેબાજી કરવાથી કે પ્લેકાર્ડ્સ લહેરાવવાથી ગૃહની મર્યાદા વધતી નથી.” જોકે હોબાળો ન શમતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
બીજી તરફ, રાજ્યસભામાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “આ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. જંતર-મંતર પર એકઠા થયેલા નિર્દોષ બાળકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો અને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.” ખડગેએ ઉમેર્યું હતું કે, 2014થી અત્યાર સુધીમાં 152 પેપર લીક થયા છે અને 25 બાળકોએ જીવ ગુમાવ્યા છે, તેથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું જોઈએ.
૧૩ ઓગસ્ટ સુધી ચાલશે સત્ર, કેન્દ્ર સરકાર મહત્વના બિલ રજૂ કરશે
નોંધનીય છે કે સંસદનું આ ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર સીમાંકન સંબંધિત બિલ સહિત અનેક મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ વિપક્ષના આક્રમક વલણને જોતાં આ સમગ્ર સત્ર હોબાળામય રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


