T20 વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ પાક. ટીમ ઉપર PCBની કાર્યવાહી
ઈસ્લામાબાદ, 2 માર્ચ 2026: T20 વર્લ્ડ કપ 2026માં અત્યંત નિરાશાજનક પ્રદર્શન અને સેમીફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમની સતત નિષ્ફળતાથી નારાજ બોર્ડે ટીમના પ્રત્યેક ખેલાડી પર 50 લાખ પાકિસ્તાની રૂપિયા (અંદાજે 16 લાખ ભારતીય રૂપિયા) નો તોતિંગ દંડ ફટકાર્યો છે.
‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ, ભારત સામે ગ્રુપ સ્ટેજમાં મળેલી કારમી હાર અને સુપર-8માં ઇંગ્લેન્ડ સામેના પરાજય બાદ બોર્ડના અધિકારીઓ અત્યંત રોષમાં હતા. જોકે ટીમે શ્રીલંકા સામે જીત મેળવી હતી, પરંતુ તે સેમીફાઇનલ સુધી પહોંચવા માટે પૂરતી નહોતી. આઈસીસી ટુર્નામેન્ટમાં સતત ફ્લોપ જતી પાકિસ્તાની ટીમ સામે શિસ્તભંગ અને નબળા પ્રદર્શન બદલ આ આકરો નિર્ણય લેવાયો છે.
પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરોએ પણ ટીમની ઝાટકણી કાઢી છે, પૂર્વ ખેલાડી જાવેદ મિયાદાદએ જણાવ્યું હતું કે, “બે વર્ષમાં દેશની છાપ છોડવાની એક તક મળે છે અને તમે ફરી નિષ્ફળ રહ્યા. T20 હવે અત્યંત પ્લાનિંગનો ખેલ છે અને આપણા ખેલાડીઓ અન્ય ટીમોના સ્તર સુધી પહોંચી શકતા નથી.”
જ્યારે મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું કે, સિલેક્શન પોલિસી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “અમુક ખેલાડીઓને સાબિત કરવા માટે હદ કરતા વધુ તક અપાઈ, છતાં તેઓ મોટા મંચ પર ફ્લોપ રહ્યા.” જ્યારે પૂર્વ કીપર મોઈન ખાને જણાવ્યું હતું કે, “જ્યાં સુધી તમે ટોચની ટીમોને હરાવવાની ક્ષમતા કેળવશો નહીં, ત્યાં સુધી ICC ટ્રોફી જીતવાનું સપનું અધૂરું જ રહેશે.”
ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ, વર્તમાન સુકાની સલમાન અલી આગા, શાહીન આફ્રિદી અને શાદાબ ખાન અત્યારે ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અહેવાલો છે કે સલમાન અલી આગા ટૂંક સમયમાં કેપ્ટન પદ છોડી શકે છે. બીજી તરફ, પૂર્વ કોચ સકલૈન મુશ્તાક પણ વિવાદોમાં છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના જમાઈ શાદાબ ખાનના નબળા ફોર્મનો બચાવ કરીને મુખ્ય કોચ માઈક હેસન પર માછલાં ધોયા હતા.
પાકિસ્તાને ટુર્નામેન્ટનો અંત ભલે જીત સાથે કર્યો હોય, પરંતુ સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓ માયુસ છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું માત્ર દંડ ફટકારવાથી ટીમની સમસ્યાઓ હલ થશે? કે પછી પાકિસ્તાની ક્રિકેટના નેતૃત્વ અને રણનીતિમાં કોઈ મોટા ‘સર્જિકલ ઓપરેશન’ની જરૂર છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં જામનગર રોડ પર આવેલી 10 સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ


