ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTAને PM લક્સને ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આર્થિક સંબંધોના નવા યુગની શરૂઆત થઈ છે. સોમવારે બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર થશે. આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરતા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી લોકો કહેતા હતા કે આ ડીલ શક્ય નથી, પરંતુ આજે તે હકીકત બની રહ્યું છે.
વડાપ્રધાન લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે, “એક વર્ષ પહેલા હું વડાપ્રધાન મોદીને મળ્યો હતો ત્યારે અમે એફટીએ અંગે વાતચીત શરૂ કરવા સંમત થયા હતા. આ એક એવી સમજૂતી છે જે ન્યુઝીલેન્ડના નિકાસકારોને 1.4 અબજ લોકોના વિશાળ ભારતીય બજાર સુધી પહોંચ આપશે. આનાથી સ્થાનિક સમુદાયમાં નાણાં આવશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.”
આ કરાર પર ભારત મંડપમ ખાતે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. એફટીએ અનુસાર, આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને ૫ અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આગામી 15 વર્ષમાં ન્યુઝીલેન્ડ તરફથી ભારતમાં અંદાજે 20 અબજ ડોલરનું રોકાણ આવવાની શક્યતા છે. ભારતીય કંપનીઓને ન્યુઝીલેન્ડના બજારમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી મળશે. બીજી તરફ ન્યુઝીલેન્ડના 95 ટકા ઉત્પાદનો (જેમ કે ઉન, કોલસો, લાકડું, સીફૂડ) પરની આયાત ડ્યુટીમાં ઘટાડો થશે.
ભારતે આ સમજૂતીમાં પોતાના ઘરેલું ખેડૂતો અને ઉદ્યોગોના હિતનું ખાસ ધ્યાન રાખ્યું છે. ડેરી ઉત્પાદનો, ડુંગળી, ખાંડ, મસાલા અને ખાદ્ય તેલ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને ડ્યુટી મુક્તિના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ સમજૂતીની સૌથી મહત્વની વિશેષતા ભારતીય વ્યાવસાયિકો માટેની સુવિધા છે. ન્યુઝીલેન્ડે દર વર્ષે ૫,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સ માટે કામચલાઉ રોજગાર વિઝા આપવા સંમતિ દર્શાવી છે. આ વિઝા હેઠળ આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ઉપરાંત યોગ પ્રશિક્ષકો, આયુષ ડોકટરો, રસોઈયા અને સંગીત શિક્ષકો પણ ત્રણ વર્ષ માટે ન્યુઝીલેન્ડ જઈ શકશે.


