1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આજે 12મો નેશનલ હેન્ડલૂમ ડે, ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ
આજે 12મો નેશનલ હેન્ડલૂમ ડે, ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ

આજે 12મો નેશનલ હેન્ડલૂમ ડે, ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ

0
Social Share

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Today marks the 12th National Handloom Day આજે સમગ્ર દેશમાં 12મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ (નેશનલ હૅન્ડલૂમ ડે) ઉજવવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 2015માં ચેન્નાઈથી નેશનલ હૅન્ડલૂમ ડેની શરૂઆત કરી હતી. નેશનલ હૅન્ડલૂમ ડે માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે, જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી રાખ્યો છે. ગુજરાત આ વારસાનું સશક્ત કેન્દ્ર છે, જ્યાં હાથશાળ માત્ર વસ્ત્ર નિર્માણનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, કૌશલ્ય અને આજીવિકાનો આધાર છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે આજે રાજ્યમાં 12 હજારથી વધુ વણકરો અને કારીગરો રાજ્ય સરકાર સાથે સીધી રીતે જોડાયેલા છે અને તેમને આર્થિક બળ મળ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી  નરેશ પટેલ તથા રાજ્યમંત્રી  સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં રાજ્યની પ્રાચીન ધરોહર સમાન હાથશાળ અને ભરતકામ-વણાટકળાને વૈશ્વિક ઓળખ મળી છે. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ્ટ-સી), ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) તેમજ તેની માર્કેટિંગ બ્રાન્ડ ‘ગરવી-ગુર્જરી’ના પ્રયાસોથી રાજ્યના પ્રાચીન વારસા સમાન હૅન્ડલૂમ ઉત્પાદનોને આજે વૈશ્વિક બજારમાં સ્થાન મળ્યું છે.

*વણકરો-કારીગરોનું આર્થિક સશક્તિકરણ*

ઇન્ડેક્સ્ટ-સી સાથે 4,000થી વધુ વણકરો જોડાયેલા છે, જ્યારે GSHHDC તથા ‘ગરવી-ગુર્જરી’ના માધ્યમથી અંદાજે 8,000 કારીગરોને પ્રત્યક્ષ રોજગારી અને માર્કેટિંગ સહાય મળી રહી છે. આ રીતે 12,000થી વધુ વણકરો અને કારીગરો સરકારના પ્રયાસોથી લાભાન્વિત થઈ રહ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2025-26 દરમિયાન ગરવી-ગુર્જરી દ્વારા ₹43.07 કરોડનું વિક્રમી વેચાણ, જ્યારે ઇન્ડેક્સ્ટ-સી દ્વારા આયોજિત મેળાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ₹8 કરોડથી વધુના ઉત્પાદનોનું વેચાણ થયું છે. બંને મળીને કુલ ₹51.07 કરોડથી વધુનો વેપાર દર્શાવે છે કે ગુજરાતનું હાથશાળ ક્ષેત્ર આર્થિક રીતે વધુ મજબૂત બની રહ્યું છે.

*GI ટૅગ ઉત્પાદનોની માંગમાં સતત વધારો*

ગુજરાતનો વસ્ત્ર ઇતિહાસ આશરે બે હજાર વર્ષ જૂનો માનવામાં આવે છે. પાટણના વિશ્વવિખ્યાત પટોળા, કચ્છની ભુજોડી શાલ, સુરેન્દ્રનગરનું ટાંગલિયા વણાટ, ભરૂચની સુજની તથા જામખંભાળિયાની શાલ જેવી પરંપરાગત કળાઓ આજે પણ રાજ્યની સાંસ્કૃતિક ઓળખ છે. આમાંથી ઘણાં ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (GI ટૅગ) પ્રાપ્ત થયો છે, જેના કારણે તેમની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બની છે અને માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

*ગુજરાતની કળા અને વારસો સાત સમંદર પાર પહોંચ્યો*

આજે ગુજરાતના હૅન્ડલૂમ ઉત્પાદનો અમેરિકા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને મધ્ય-પૂર્વ સહિત અનેક દેશોમાં આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઇનરો અને જાણીતી હસ્તીઓ પણ પટોળું, કચ્છી વણાટ તથા અન્ય ગુજરાતી વસ્ત્રોને અપનાવીને તેમને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી રહ્યા છે.

રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ગુજરાતની આ સિદ્ધિ દર્શાવે છે કે જ્યારે પરંપરાગત કળાને સરકારનો સહયોગ, આધુનિક ડિઝાઇન અને અસરકારક માર્કેટિંગનો સાથ મળે છે, ત્યારે તે માત્ર સાંસ્કૃતિક ધરોહર નહીં, પરંતુ આર્થિક વિકાસનું સશક્ત માધ્યમ બની જાય છે. 12,000થી વધુ વણકરો અને કારીગરોનું સશક્તિકરણ તથા ₹51.07 કરોડથી વધુનો સંયુક્ત વેપાર આ પરિવર્તનની પ્રેરણાદાયી ગાથા રજૂ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code