વડોદરા, 07 ઓગસ્ટ 2026 : Raja Rammohan Roy School in Vadodara is dilapidated શહેરના વાસણા રોડ પર આવેલી મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાનું વર્ષો જુનું મકાન જર્જરિત થતાં શાળાના મકાનને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીની 9 ખાલી દુકાનોમાં હંગામી ધોરણે ખસેડવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે આ દરખાસ્ત મંજૂરી માટે મોકલી છે, જેના પર આજે શુક્રવારે નિર્ણય લેવાશે. નવી ઇમારત બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ ખાલી દુકાનોમાં બેસીને ભણશે.
વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાની જર્જરિત બિલ્ડિંગને તોડી નવી શાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શાળાનું નવું બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે શાળાને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાની નજીક આવેલી નીલકંઠ રેસિડેન્સી ખાતે આવેલી હાઉસિંગ એફોર્ડેબલ યોજના હેઠળની ખાલી દુકાનોમાં શાળાનું હંગામી સ્થળાંતર કરવાની દરખાસ્ત કરી છે. અહીં કુલ 14 ખાલી દુકાનોમાંથી 9 દુકાનો એક વર્ષ માટે વિનામૂલ્યે ફાળવવાની માગ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત મુજબ નવી શાળાનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આ હંગામી સ્થળે શિક્ષણ આપવામાં આવશે. એક વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દુકાનોનો કબજો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પરત સોંપવાનો રહેશે.
આ દરખાસ્ત અંગે સ્થાયી સમિતિની આજે શુક્રવારે મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો દરખાસ્તને મંજૂરી મળશે તો રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવી ઇમારત તૈયાર થાય ત્યાં સુધી નીલકંઠ રેસિડેન્સીની દુકાનોમાં અભ્યાસ કરાવવામાં આવશે.


