નવી દિલ્હી, 2 ઓક્ટોબર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહસ અને સૂઝબૂઝથી મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલટ સ્મિત મચ્છાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના નિકટના હાલચાલ પૂછ્યા હતા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. પીએમ મોદીએ પાયલટ સ્મિતની બહાદુરીના વખાણ કરતા કહ્યું કે, “તમે પોતાના જીવની પરવા કર્યા વગર મુસાફરોના પ્રાણ બચાવ્યા છે. તમારી આ હિંમત અને ધૈર્યથી 140 કરોડ દેશવાસીઓનું મસ્તક ગર્વથી ઊંચું થયું છે.”
વડાપ્રધાને વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અત્યારે તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે અને મહામૃત્યુંજય જાપ થઈ રહ્યા છે. આજે આખો દેશ ગર્વથી કહી શકે છે કે આપણે ભારતીયો જીવ લેનારા નહીં, પરંતુ જીવ બચાવનારા લોકો છીએ. પીએમ મોદીએ પાયલટ સ્મિતના સાહસને બિરદાવતા કહ્યું, “તમારા શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તમે પોતે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા હતા. તે ક્ષણે પણ તમે પોતાના જીવ વિશે ન વિચાર્યું પણ મુસાફરોના જીવની ચિંતા કરી. તમે સમગ્ર દેશ અને ભારતીય પાયલટોની પ્રતિષ્ઠા બચાવી લીધી છે.”
સ્મિતના માતા-પિતા સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું, “મને ગઈકાલે ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. મેં ગીતાબેનને કહ્યું કે તમારું નામ ‘ગીતા’ છે અને તમે ભગવાન કૃષ્ણની ગીતાના ઉપદેશોને ચરિતાર્થ કર્યા છે. તમે સાક્ષાત ગીતાના સંસ્કારોથી સ્મિતનું ઘડતર કર્યું છે.”
-
પાયલટ સ્મિત ભાવુક થયા: પીએમ મોદીને ગણાવ્યા પોતાના ‘આઇડલ’
વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન પાયલટ સ્મિત મછાર અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે પીએમ મોદીને પોતાના સૌથી મોટા ‘આઇડલ’ (આદર્શ) ગણાવતા કહ્યું, “તમે મારા સૌથી મોટા આઇડલ છો. તમે જાતે ફોન કરીને મારું હોસલા-અફઝાઈ (ઉત્સાહવર્ધન) કરી રહ્યા છો, જેનાથી મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી તમારી સાથે વાત થશે.”
સ્મિત ભાવુક થતાં પીએમ મોદીએ સાંત્વના આપતાં કહ્યું કે, “તમે એટલું મોટું કારનામું કર્યું છે કે દરેક દેશવાસી અને સમગ્ર વિશ્વ તમને જોવા અને તમારી સાથે વાત કરવા આતુર છે. ભારતમાં તમારું ભવ્ય સ્વાગત કરવા માટે દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.”
આ મુશ્કેલ સમયમાં મળેલી તબીબી મદદ માટે પીએમ મોદીએ સાઉદી અરેબિયા અને યુએઈ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે બંને દેશોની સરકારે પાયલટ સ્મિતની ઉત્કૃષ્ટ સારસંભાળ રાખી છે અને સંપૂર્ણ સહયોગ આપ્યો છે.


