
અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધી,ગલકા, ટમેટાં, કોથમીર સહિતના શાકભાજીના છૂટક માર્કેટમાં ભાવ પ્રતિકિલોના રૂ.100ની સપાટીએ પહોંચ્યા છે. મોટા ભાગના શાકભાજી બીજા રાજ્યમાંથી આવી રહ્યા છે. જેથી માર્કેટમાં પહોંચે ત્યાં સુધીમાં ગરમીને કારણે લીલા શાકભાજી અડધો-અડધ બગડી જાય છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે.
અમદાવાદ એપીએમસીના સૂત્રોના કહેવા મુજબ હાલ 80 ટકા શાકભાજી મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી આવે છે. જેમાં ટમેટાં, ભીંડો, ગુવાર, કોથમીર, ગુવાર, લીંબુ, બટેટા વગેરેનો સમાવેશ થાય છે. હાલ સૌથી વધારે ટમેટાં, કોથમીર અને લીંબુની ડિમાન્ડ વધારે છે. કોથમીર ઇન્દોરથી આવે છે. સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂ.15 કિલો મળી રહ્યા હતા અત્યારે રૂ.44 કિલો મળી રહ્યા છે. જયારે લીલા શાકભાજી રૂ.100 થી 160 કિલો મળી રહ્યા છે. આમ કઠોળ બાદ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. વેપારીના જણાવ્યા મુજબ ટામેટા મહારાષ્ટ્ર અને બેગ્લોરથી આવતા હોય છે.જેમાં ઉનાળાની ગરમીને લીધે 20 ટકા ટામેટા બગડેલા નીકળતા હોવાથી તેની કિંમતમાં વધારો થયો છે. જયારે કોથમીર એમપીથી આવે છે જેની આવક ઓછી હોવાથી ભાવો ડબલ થયા છે.
ભાવનગર માર્કેટ યાર્ડના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા એક સપ્તાહથી ગ્રીષ્મકાલીન ઋુતુના આખરી દિવસોમાં શહેરની મુખ્ય અને પરા વિસ્તારોની શાકમાર્કેટમાં શાકભાજીની આવક ઘટી જતા ભાવમાં વધારો થયો છે. શહેરની મુખ્ય શાકમાર્કેટમાં મોટા બટેટા રૂા 35 થી 40 ના કિલોના ભાવે, ગુવાર રૂા 80 ના કિલો, ટમેટા, રીંગણા, ભીંડો સહિતના અન્ય શાકભાજી રૂા 70 થી 80ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.