Site icon Revoi.in

કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી DPEOની નિમણૂંક ન કરાતા પ્રાથમિક શિક્ષણને અસર

Social Share

ભૂજ, 17 મે 2026DPEO post has been vacant for the last three years કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. અને ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે. તેના કારણે પ્રાથમિક શિક્ષણના વહિવટ પર અસર પડી રહી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની  અછત છે, તો બીજી તરફ વહીવટી માળખું પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણના સર્વોચ્ચ પદ એવા ‘જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી’ (DPEO) ની જગ્યા છેલ્લા ત્રણ વર્ષથી કાયમી નિમણૂકની રાહ જોઈ રહી છે.

કચ્છમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ 31 જૂન 2023ના રોજ વયનિવૃત્ત થયા બાદ, આ પદ જાણે ‘ઇન્ચાર્જ’ના ખેલમાં ફસાઈ ગયું છે. પ્રજાપતિની નિવૃત્તિ બાદ આઠ મહિના સુધી જિલ્લા શિક્ષણ અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ વાઘેલાને જવાબદારી સોંપાઈ, પણ તેમણે 9 મહિનામાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. ત્યારબાદ પૃથ્વીરાજસિંહ ઝાલા આવ્યા, પણ તેમણે પણ સામાજિક કારણોસર મુક્તિ માંગી લીધી. હવે ફરી એકવાર આ બોજ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના ખભે મૂકવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં બે હજાર શિક્ષકોની ઘટ વચ્ચે DPEOની ખુરશીનો ‘કાંટાનો તાજ’ બની, કોઈ ટકવા તૈયાર નથી ત્રણ વર્ષમાં 5 અધિકારીને ચાર્જ સોંપાયો જેમાં બે  અધિકારીએ સ્વૈચ્છિક મુક્તિ લઇ લીધી છે. કચ્છની 1667 સરકારી શાળા સહિત કુલ 2500 શાળા અને 2 લાખથી વધુ છાત્રોનું શૈક્ષણિક સંચાલન કરવું વહીવટી તંત્ર માટે પડકારજનક બન્યું છે, કારણ કે જિલ્લામાં ધોરણ 1 થી 8ના મંજૂર મહેકમ સામે અંદાજે 2 હજાર જેટલા શિક્ષકોની મોટી ઘટ વર્તાઈ રહી છે. આ ઉપરાંત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને કેળવણી નિરીક્ષકો જેવી મહત્વની વહીવટી જગ્યાઓ ખાલી હોવાથી સંચાલન કથળ્યું છે, જેના કારણે ઇન્ચાર્જ અધિકારીઓ પર સતત રાજકીય દબાણ અને વધારાની જવાબદારીઓનો બોજ રહેતા તેઓ અહીં લાંબો સમય ટકવા તૈયાર નથી. ઇન્ચાર્જ અધિકારીઓ લાંબાગાળાના નિર્ણયોમાં રસ દાખવતા નથી, જેના કારણે ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકાર છેલ્લા ત્રણ વર્ષથી કચ્છ જેવા પ્રદેશમાં જિલ્લામાં કાયમી ભરતી કેમ નથી કરતી તે એક મોટો સવાલ છે.

Exit mobile version