ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે, જ્યારે પણ દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વશાસનનો પ્રશ્ન સર્જાયો ત્યારે ભારતનો આદિવાસી સમુદાય સૌથી આગળ ઊભો રહ્યો છે. ગુજરાતમાં નર્મદાના ડેડિયાપાડા ખાતે મહાન ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું, સ્વતંત્રતા આંદોલનમાં આદિવાસી સમુદાયના યોગદાનને દેશ ક્યારેય ભૂલી નહીં શકે.
મોદીએ કહ્યું, આજે શ્રી ગોવિંદ ગુરુ પીઠ જનજાતીય ભાષા સંવર્ધન કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે, જ્યાં તમામ આદિવાસી સમુદાયની બોલીઓનો અભ્યાસ કરાશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ કેન્દ્રમાં તેમની સાથે સંકળાયેલી વાર્તાઓ અને ગીતો પણ સાચવવામાં આવશે. આજે સમગ્ર દેશમાં અનેક આદિવાસી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યા હોવાનું પણ શ્રી મોદીએ ઉંમેર્યું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના ડેડિયાપાડામાં અંદાજે નવ હજાર 700 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
આ પરિયોજનાઓમાં માળખાકીય સુવિધા, આરોગ્ય, શિક્ષણ અને વારસા પર કેન્દ્રીત છે. તેમાં આદિવાસી સમુદાયના સશક્તિકરણ પર વિશેષ ભાર અપાયો છે.
આ પહેલા મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહામોગી માતા દેવમોગરા ધામમાં પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી. દેવમોગરી ધામ ખાતે આદિજાતિ સમાજનાં કુળદેવી પાંડોરા માતા બિરાજમાન છે.
અગાઉ આજે સવારે શ્રી મોદીએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રૅલવે કૉરિડોરના કામની સમીક્ષા કરવા ગુજરાતના સુરતમાં અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રૅનમથકની મુલાકાત લીધી. અંદાજે 508 કિલોમીટર લંબાઈનો આ કૉરિડોર ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત સુવિધા પરિયોજનાઓમાંથી એક છે.

