Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં આચાર્યો અને મુખ્ય શિક્ષકને સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત કરાશે

Social Share

અમદાવાદ, 12 મે 2026 : Principals and head teachers will be retired only after the session ends રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે અનેક શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય છે. હાલ મહિનાના અંતિમ દિવસે નિવૃત કરવાનો નિયમ છે. પણ હવે રાજ્યના શિક્ષણ વિભાગે આચાર્યો અને મુખ્ય શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક શાળાના આચાર્યોને શૈક્ષણિક સત્રના અંતે નિવૃત્તિ આપવામાં આવશે. અત્યાર સુધી મહિનાના અંતિમ દિવસે નિવૃત્તિનો નિયમ લાગુ પડતો હતો, જેના કારણે શાળાના વહીવટી અને શૈક્ષણિક કાર્ય પર અસર પડતી હતી.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાના આચાર્ય કે મુખ્ય શિક્ષણને શૈક્ષણિક સત્રની સમાપ્તિ બાદ જ નિવૃત કરી શકાશે. નવા નિર્ણયથી ખાસ કરીને H-TAT પાસ મુખ્ય શિક્ષકો અને આચાર્યોને સીધો લાભ મળશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે, શૈક્ષણિક વર્ષ વચ્ચે આચાર્યોની નિવૃત્તિ થવાથી શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર અસર થતી હતી. હવે સત્ર પૂર્ણ થયા બાદ નિવૃત્તિ આપવાથી શિક્ષણકાર્યમાં સાતત્ય જળવાઈ રહેશે.  નવા નિયમથી શાળાઓમાં વહીવટી કામગીરી સરળ બનશે તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અચાનક ફેરફારનો સામનો કરવો નહીં પડે. ખાસ કરીને પરીક્ષા, પ્રવેશ પ્રક્રિયા અને પરિણામ જેવી કામગીરી દરમિયાન આચાર્ય બદલાવની સ્થિતિ ટળશે.

શિક્ષણ વિભાગે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવાયું છે. નવા નિયમથી શાળાઓમાં શૈક્ષણિક માહોલ વધુ સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version