ગાંધીનગર, 17 જુલાઈ 2026 : Protest against the student admission policy at Gyan Shakti Residential School રાજ્યમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને CET પરીક્ષાના આધારે ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો છે. સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી અલગ કરીને ખાનગી સંચાલિત નિવાસી શાળાઓમાં મોકલવાથી સરકારી શાળાઓની ગુણવત્તા, શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની સંખ્યા પર નકારાત્મક અસર પડી શકે છે. સંગઠનના મતે સરકાર દ્વારા સરકારી શાળાઓને જ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થવા જોઈએ.
મહાસંઘ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પાછળ સરકારી શાળાઓની સરખામણીએ અનેકગણો ખર્ચ કરવામાં આવે છે. ધોરણ 6થી 8 માટે ખાનગી સંસ્થાઓને પ્રતિ વિદ્યાર્થી રૂ. 20 હજાર, ધોરણ 9-10 માટે ₹ 22 હજાર અને ધોરણ 11-12 માટે ₹ 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે, જ્યારે સરકારી શાળાઓમાં પ્રતિ વિદ્યાર્થી ખર્ચ તેની તુલનામાં ઘણો ઓછો છે. મહાસંઘે CET પરીક્ષાના આધારે “પ્રતિભાશાળી વિદ્યાર્થી”ની વ્યાખ્યા અને માપદંડોને પણ પ્રશ્નાંકિત કર્યા છે. સંગઠનનું માનવું છે કે માત્ર એક પરીક્ષાના ગુણોના આધારે વિદ્યાર્થીઓની ક્ષમતા નક્કી કરવી યોગ્ય નથી અને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના સમાનતા અને સમાવેશના સિદ્ધાંતોને પણ અસર કરી શકે છે. સંગઠને સરકાર સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ પણ મૂકી છે, જેમાં CET આધારિત પ્રવેશ નીતિની સમીક્ષા, ખાનગી સંસ્થાઓને આપવામાં આવતી પ્રોત્સાહક જોગવાઈઓ બંધ કરવી, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી શાળાઓમાં વધુ રોકાણ કરવું અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને નીતિ ઘડવાની માંગ સામેલ છે.

