નવી દિલ્હી, 20 જૂન 2026: પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સીમા સુરક્ષા દળ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હથિયારોનો એક મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી AK-47 રાઇફલ સહિત 26 અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી ઓસ્ટ્રેલિયામાં બેઠેલા તેના એક હેન્ડલરના ઈશારે કામ કરી રહ્યો હતો. વિદેશમાં રહેલા આ માસ્ટરમાઇન્ડે સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા હથિયારોની ડ્રોપ લોકેશન શેર કરી હતી અને આરોપીનું કામ આ હથિયારોને આગળ સપ્લાય કરવાનું હતું.

મળતી માહિતી મુજબ, અમૃતસરની રૂપનગર કોલોનીના રહેવાસી રોહન ખોસલા નામના આરોપીની બીએસએફ પંજાબ અને સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (એસએસઓસી) અમૃતસરના સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે. એસએસઓસી અમૃતસરના એડિશનલ આઈજી સુખમિન્દર સિંહ માને જણાવ્યું હતું કે, બીએસએફ તરફથી ઇનપુટ મળ્યા હતા કે શાહપુર બીઓપી વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલી હથિયારોની ખેપ ઉઠાવવામાં આવી રહી છે. આ બાતમીના આધારે એસએસઓસી અને બીએસએફની ટીમે એક કારને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી અત્યાધુનિક હથિયારો, કારતૂસ અને એક બુલેટ-પ્રૂફ જેકેટ મળી આવ્યું હતું, ત્યારબાદ પોલીસે પંજાબ પાસિંગની આ કાર અને હથિયારો જપ્ત કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આર્મ્સ એક્ટ અને BNS હેઠળ ગુનો દાખલ
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પાસેથી એક અત્યાધુનિક એકે-47 રાઈફલ, 14 પિસ્તોલ(9એમએમ), 30 બોરની 11 પિસ્તોલ, 368 કારસુત, 48 મેગેઝીન, અમેરિકામાં બનેલી હાઈટેક બુલેટપ્રુફ જેકેટ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ હથિયારો નોરિન્કો, સ્ટાર માર્ક, ગ્લોક, ઝિગાના, ટૉરસ અને વાલ્થર જેવી વિશ્વપ્રસિદ્ધ વિદેશી કંપનીઓના છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપી માત્ર એક લોકલ લિંક તરીકે કામ કરતો હતો. આ મામલે અમૃતસરના એસએસઓસી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય એરક્રાફ્ટ એક્ટ (ડ્રોન ઉપયોગ માટે) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીજીપી ગૌરવ યાદવે આ ઓપરેશનને સરહદ પારથી થતી હથિયારોની તસ્કરી સામે મોટી સફળતા ગણાવી છે. તેમણે ઉમેર્યું કે, આ નેટવર્કના તમામ ફોરવર્ડ અને બેકવર્ડ લિંક્સને જોડવા, આ સિન્ડિકેટમાં સામેલ અન્ય સાથીદારોની ઓળખ કરવા અને સમગ્ર ક્રોસ-બોર્ડર આર્મ્સ સ્મગલિંગ તેમજ આતંકી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હથિયારોનો ઉપયોગ કયા મોટા આતંકી મનસૂબા પાર પાડવા માટે થવાનો હતો.

