Homeગુજરાતીટેકનોલોજીઅલીગઢના બજારોમાંથી QR કોડ હટવા લાગ્યા: રોકડ વ્યવહાર વધવાની શક્યતા

અલીગઢના બજારોમાંથી QR કોડ હટવા લાગ્યા: રોકડ વ્યવહાર વધવાની શક્યતા

અલીગઢ, 17 સપ્ટેમ્બર 2026: કેન્દ્ર સરકાર દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશના અલીગઢ શહેરના બજારોમાં તેની ઘેરી અસર જોવા મળી રહી છે. રસલગંજ, મહાવીર ગંજ, રેલવે રોડ, રામઘાટ રોડ અને દુબે કા પડાવ જેવા મુખ્ય વેપારી વિસ્તારોમાં અનેક દુકાનદારોએ પોતાના સ્કેનર અને ક્યુઆર કોડ હટાવી લીધા છે અને ગ્રાહકો પાસે સીધા રોકડ નાણાંની માંગણી કરી રહ્યા છે. કેટલાક ફળ વિક્રેતાઓ અને ચાના સ્ટોલધારકોએ પણ ઓનલાઈન પેમેન્ટ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

કેન્દ્ર સરકારની નવી જોગવાઈ અનુસાર, 15 ઓક્ટોબરથી રૂ. 2000 થી વધુના વ્યક્તિ-થી-વેપારી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા એમડીઆર લાગુ થશે, જેની મહત્તમ મર્યાદા રૂ. 300 નક્કી કરાઈ છે. જોકે, દર મહિને રૂ. એક લાખથી ઓછું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ધરાવતા નાના વેપારીઓને અને રૂ. 2000 સુધીના ટ્રાન્ઝેક્શનને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં, વધારાના આર્થિક બોજના ડરે વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે.

ઉત્તર પ્રદેશ ઉદ્યોગ વ્યાપાર પ્રતિનિધિ મંડળે આ નિર્ણયને ‘ડિજિટલ ઈન્ડિયા’ની ભાવના વિરુદ્ધ ગણાવીને આંદોલનની ચીમકી આપી છે. સંગઠનના પ્રાંતિય વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રદીપ ગંગા અને મહાનગર પ્રમુખ આલોક પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, “નાના અને મધ્યમ વર્ગના વેપારીઓએ ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા યુપીઆઈ અપનાવ્યું હતું. હવે તેના પર ચાર્જ લાદવો એ વેપારીઓ સાથે અન્યાય છે. જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો દેશવ્યાપી આંદોલન કરાશે.” દુકાનદારોનું કહેવું છે કે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે રુ. 5000 જેવી મોટી ખરીદી પર એમડીઆરનો વધારાનો બોજ વેપારીઓ પર આવશે.

  • ગ્રાહકો મુશ્કેલીમાં: ફરી ATM પર લાઈનો લાગશે

યુપીઆઈ પેમેન્ટની ટેવ પડી ગયા બાદ હવે ફરીથી વોલેટ અને કેશ લઈને નીકળવું ગ્રાહકો માટે મુશ્કેલીભર્યું બનશે. ગ્રાહકોનું કહેવું છે કે ઓનલાઈન પેમેન્ટથી ખિસ્સામાંથી પર્સ ચોરાવાનો કે રોકડ સાચવવાનો ડર રહેતો નહોતો. પરંતુ જો દુકાનદારો ક્યુઆર કોડ હટાવી લેશે તો ખરીદી કરતા પહેલાં એટીએમમાંથી નાણાં ઉપાડવાની ફરજ પડશે, જેનાથી બજારમાં ફરી રોકડ વ્યવહારોનું પ્રમાણ વધી જશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular