Homeગુજરાતીખોરાકગણેશોત્સવમાં બનાવો સ્વાદિષ્ટ અને ક્રીમી મગની દાળની ખીર: નોંધી લો રેસિપી

ગણેશોત્સવમાં બનાવો સ્વાદિષ્ટ અને ક્રીમી મગની દાળની ખીર: નોંધી લો રેસિપી

સામાન્ય રીતે લોકો પેટ હળવું રાખવા કે બીમારી બાદ મગની દાળનું સેવન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મગની દાળમાંથી માત્ર હલવો જ નહીં, પણ અત્યંત સ્વાદિષ્ટ અને ક્રીમી ખીર પણ બનાવી શકાય છે? ગણેશોત્સવના આ પવિત્ર તહેવાર દરમિયાન જો તમે ભગવાન ગણેશજીને ભોગ ધરાવવા માટે અથવા ઘરમાં કઈંક નવું અને પરંપરાગત બનાવવાનું વિચારતા હોવ, તો મગની દાળની આ ખીર એકદમ પરફેક્ટ ઓપ્શન છે.

  • જરૂરી સામગ્રી

મોગર મગની દાળ (ફોતરા વગરની) – ½ કપ
દેશી ઘી – 2 ચમચી (દાળ શેકવા માટે)
ફુલ ફેટ દૂધ – 1 લીટર
કેસરના તાંતણા – 8 થી 10
મિલ્કમેડ (કન્ડેન્સ્ડ મિલ્ક) – 50 ગ્રામ
દેશી ખાંડ – સ્વાદ મુજબ
બદામ – 10 થી 12 (ઝીણી સમારેલી)
કાજુ – 10 થી 12 (ટુકડા કરેલા)

  • બનાવવાની સરળ રીત

સૌપ્રથમ મગની દાળને બરાબર સાફ કરી, 2-3 વાર પાણીથી ધોઈને 2 થી 3 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ દાળમાંથી બધું પાણી નિતારી લો. એક પેનમાં 2 ચમચી દેશી ઘી ગરમ કરી તેમાં નિતારેલી દાળ ઉમેરો અને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. દાળ શેકાઈ જાય એટલે તેમાં 1 લીટર ફુલ ફેટ દૂધ અને કેસરના તાંતણા ઉમેરો. ધીમા તાપે દાળ બરાબર ચડી જાય ત્યાં સુધી તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહીને પકવો. દાળ એકદમ ગળી જાય એટલે તેમાં મિલ્કમેડ ઉમેરો. મિલ્કમેડ ખીરને એક સરસ ક્રીમી ટેક્સચર અને ઉત્તમ સ્વાદ આપશે. હવે એક જાડા તળિયાવાળા પેનમાં દેશી ખાંડ ઉમેરી ધીમા તાપે તેને કેરેમલાઇઝ (ઓગાળીને બ્રાઉન) કરી લો. આ કેરેમલાઇઝ્ડ ખાંડને ઉકળતી ખીરમાં ઉમેરીને બરાબર મિક્સ કરો, જેથી ખીરનો રંગ અને સ્વાદ એકદમ રિચ બનશે. અંતમાં ખીરમાં સમારેલા કાજુ અને બદામ ઉમેરીને મિક્સ કરી લો. ખીર ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તમારી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મગની દાળની ખીર તૈયાર છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular