નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ લાગુ થતાં જ એવી અટકળો વહેતી થઈ હતી કે ભારતે અમેરિકાના આર્થિક દબાણમાં આવીને આ નિર્ણય લીધો છે. જોકે, કેન્દ્ર સરકારના નાણાકીય સેવા વિભાગએ આ તમામ દાવોઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે MDR ચાર્જ લાદવાનો નિર્ણય કોઈપણ વિદેશી દબાણ હેઠળ નહીં, પરંતુ દેશના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ મજબૂત અને સ્પર્ધાત્મક બનાવવા માટે લેવામાં આવ્યો છે.
તાજેતરમાં અમેરિકાની એક ટ્રેડ રિપોર્ટમાં ભારતની યુપીઆઈ સિસ્ટમ અંગે કેટલીક આપત્તિઓ દર્શાવવામાં આવી હતી. અમેરિકી કંપનીઓને ભારતીય યુપીઆઈ માર્કેટમાં પૂરતો પ્રવેશ મળતો ન હોવાની અને ક્રેડિટ કાર્ડ આધારિત યુપીઆઈ પેમેન્ટમાં અવરોધો હોવાની ફરિયાદો કરાઈ હતી. આ ઉપરાંત, એનપીસીઆઈના 30% માર્કેટ શેર મર્યાદાના નિયમ પર પણ સવાલો ઉઠાવાયા હતા. આ રિપોર્ટ બાદ જ ભારતમાં નવો MDR નિયમ આવતાં વિવાદ શરૂ થયો હતો.
સરકારે 15 સપ્ટેમ્બર 2026ના NPCIના સર્ક્યુલરનો હવાલો આપતાં જણાવ્યું કે, યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડ લિંકિંગ માટે માત્ર ભારતીય ‘રુપે ક્રેડીટ કાર્ડ’ને જ મંજૂરી આપવામાં આવી છે. જો અમેરિકાનું દબાણ હોત, તો તેમની પેમેન્ટ કંપનીઓને યુપીઆઈમાં સમાન તક મળી હોત. પરંતુ આ વ્યવસ્થામાં ભારતના પોતાના રૂપે (RuPay) નેટવર્કને જ પ્રાધાન્ય મળ્યું છે. આ ઉપરાંત, રૂપે ડેબિટ કાર્ડને MDR મુક્ત રાખવામાં આવ્યું છે જેથી તેનો વપરાશ વધે.
સરકારી દલીલ મુજબ, યુપીઆઈનો ઉપયોગ ઝડપથી વધ્યો પરંતુ નાની પેમેન્ટ કંપનીઓ માટે કમાણીનો કોઈ નક્કર સ્ત્રોત નહોતો. પરિણામે, કેટલીક મોટી કંપનીઓનો જ માર્કેટ પર દબદબો બની ગયો હતો. મોટા મરચન્ટ ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાથી નાની પેમેન્ટ કંપનીઓને રેવેન્યૂ મળશે, જેથી તેઓ માર્કેટમાં ટકી શકશે અને મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકશે.
-
શું સામાન્ય ગ્રાહકોને દરેક પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે?
DFSના જણાવ્યા મુજબ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિને નાણાં ટ્રાન્સફર કરવા પર કોઈ જ ચાર્જ લાગશે નહીં. આશરે 96% મરચન્ટ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. MDR ચાર્જ માત્ર ચોક્કસ અને મોટા વ્યાપારી વ્યવહારો પર જ લાગુ થશે, જે ગ્રાહકે નહીં પણ વેપારીએ ચૂકવવાનો રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 30% માર્કેટ શેરના નિયમની સમયમર્યાદા ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે અને આ તમામ નિર્ણયો ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના હિતમાં લેવાયા છે.


