1. Home
  2. ગુજરાતી
  3. રાજનાથ સિંહે સૈન્યની નાણાકીય સત્તાઓમાં કર્યો વધારો, 1.25 લાખ કરોડના સોદા થશે આસાન
રાજનાથ સિંહે સૈન્યની નાણાકીય સત્તાઓમાં કર્યો વધારો, 1.25 લાખ કરોડના સોદા થશે આસાન

રાજનાથ સિંહે સૈન્યની નાણાકીય સત્તાઓમાં કર્યો વધારો, 1.25 લાખ કરોડના સોદા થશે આસાન

0
Social Share

નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની સૈન્ય શક્તિને વધુ મજબૂત અને નિર્ણાયક બનાવવાના હેતુથી રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સેવાઓ માટે નાણાકીય સત્તાઓના સુધારેલા પ્રતિનિયોજનની જાહેરાત કરી છે. તબીબી અને બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની સંરક્ષણ સેવાઓ માટેની નાણાકીય સત્તાઓમાં 100% સુધીનો અને કેટલાક વિશેષ કિસ્સાઓમાં બમણા કરતાં પણ વધુનો મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી ફિલ્ડ કમાન્ડર્સની કાર્યક્ષમતા વધુ મજબૂત થશે, સંરક્ષણ કરારો વહેલા પૂર્ણ થશે અને પ્રોજેક્ટ્સનું અમલીકરણ ખૂબ જ ઝડપથી કરી શકાશે.

વિદેશી મૂળ ઉપકરણ ઉત્પાદકો પરની નિર્ભરતા ઘટાડીને સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ ના વિઝનને વેગ આપવા માટે સૈન્ય ઇકોસિસ્ટમમાં મોટો ફેરફાર કરાયો છે. સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ અને સંશોધન તથા વિકાસ માટે સોંપવામાં આવેલી નાણાકીય સત્તાઓ હવે સીધી બમણી કરી દેવામાં આવી છે. નાણાકીય સત્તાઓનું આ સુધારેલું પ્રતિનિયોજન ચાલુ વર્ષની અંદાજપત્રીય ફાળવણી અનુસાર, મહેસૂલી માર્ગ દ્વારા રૂ. 1.25 લાખ કરોડથી વધુની ખરીદીની પ્રક્રિયાને અત્યંત સરળ અને ઝડપી બનાવશે.

યુદ્ધ અથવા કટોકટી જેવી તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આર્મી, એરફોર્સ અને નેવીના કમાન્ડરોને સોંપવામાં આવેલી વિશેષ નાણાકીય સત્તાઓની કુલ મર્યાદામાં 100% નો વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય સત્તાઓમાં વધારો કરવા ઉપરાંત, સામાન્ય ખરીદી કરતા વધુ પ્રતિનિયોજન સાથે ‘લીડ સર્વિસ’ દ્વારા સંયુક્ત સેવા ખરીદીને પ્રોત્સાહન આપવા માટે નવી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ માલસામાન અને સેવાઓની ખરીદીનું વિકેન્દ્રીકરણ કરવા માટે સક્ષમ નાણાકીય સત્તાવાળાઓના ઘણા નવા સ્તરો રજૂ કરાયા છે.

સૈન્ય દળો માટે નાણાકીય સત્તાઓ છેલ્લે વર્ષ 2021માં નક્કી કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયમાં સૈન્ય દળોના સ્તરમાં થયેલા વિસ્તરણ, અંદાજપત્રીય ફાળવણીમાં થયેલા વધારા અને ઓપરેશન્સ તેમજ મેન્ટેનન્સ પાછળ વધેલા ખર્ચને પહોંચી વળવા માટે આ સુધારો કરવો અનિવાર્ય બન્યો હતો. ઓક્ટોબર 2025માં સૂચિત કરવામાં આવેલી સુધારેલી સંરક્ષણ ખરીદી માર્ગદર્શિકાની સાથે નાણાકીય સત્તાઓનો આ નવો સુધારો ઝડપી નિર્ણય પ્રક્રિયા દ્વારા સંરક્ષણ ખરીદીને નવી ગતિ આપશે, જેનાથી સંરક્ષણ દળોની જરૂરિયાતો મુજબ સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code