Homeગુજરાતીગુજરાતસોયાબીનના વધતા ભાવ અને માગને પગલે ગુજરાતમાં 2.4 લાખ હેકટરમાં થચું રેકોર્ડબ્રેક...

સોયાબીનના વધતા ભાવ અને માગને પગલે ગુજરાતમાં 2.4 લાખ હેકટરમાં થચું રેકોર્ડબ્રેક વાવેતર

અમદાવાદઃ ગુજરાતના ખેડુતો હવે સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે. આ વખતે રાજ્યમાં 2,4 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. પ્રોટીનની ઉંચી માત્રા ધરાવતા સોયાબીન તરફ કિસાનોનો રસ વધતો રહ્યો હોય તેમ ગુજરાતમાં તેના વાવેતરમાં મોટો વધારો થવા લાગ્યો છે. શારીરિક તંદુરસ્તી માટે લોકો સોયાબીનનો વપરાશ વધારી રહ્યા છે જેને પગલે રાજ્યમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. 2016 સુધી ગુજરાતમાં સોયાબીનનું વાવેતર નહીવત હતુ. ત્યારબાદ ક્રમશઃ સોયાબીનના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચાલુ વર્ષે રાજ્યમાં 2.4 લાખ હેક્ટરનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. હજુ આવતા બે મહિનામાં તેનું વાવેતર વધવાની શક્યતા છે. જાણકારોના કહેવા પ્રમાણે સોયાબીન તરફ વધેલા રસ પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. ગુજરાત ફલોર મીલ એસોસિએશનના સૂત્રોના કહેવા મુજબ ડાયેટ અને તંદુરસ્તીની કાળજી રાખતા પરિવારો મલ્ટીગ્રીન સોયાબીનનો ઉપયોગ વધારી રહ્યા છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના પરિવારો પણ ઘઉંની સાથે સોયાબીનના લોટનું મિશ્રણ કરી રહ્યા છે. સોયાબીનમાં પ્રોટીનની ઉંચી માત્રા હોવાથી તેનો વપરાશ વધવા લાગ્યો છે. આ સિવાય બેકરીમાં મલ્ટીગ્રીન બ્રેડમાં પણ સોયાબીનનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે. લોટ ઉપરાંત સોયાતેલ તરફ પણ આકર્ષણ વધ્યું છે જેને પગલે ગુજરાતનાં તેલ મીલરો પણ સોયાતેલના ઉત્પાદન વધારી રહ્યા છે. સોયાબીનના પીલાણમાંથી નીકળતા ખોળની પણ ઉંચી ડીમાંડ રહેતી હોય છે એટલે તેલ મીલરોને તેનો પણ વધારાનો ફાયદો થાય છે. એક કિલો સોયા ખોળના રૂપિયા 50 મળે છે જ્યારે સીંગખોળના રૂપિયા 35 જ મળતા હોય છે
રાજકોટની એક જાણીતા ઓઈલમિલરે જણાવ્યું હતું. કૃષિ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે મુખ્યત્વે જૂનાગઢ અને દાહોદ પંથકમાં સોયાબીનના વાવેતર તરફ ઝોક વધુ છે. ખેડૂતોને મગફળી અને મકાઈ કરતાં પણ વધુ વળતર મળી રહ્યું છે. સોયાબીનનો પ્રતિ ક્વિન્ટલ ભાવ 6000થી 10,000 મળે છે જ્યારે મગફળીના 4,000થી 5,000 અને મકાઈના 2,000થી 2500 જ મળે છે. આ ઉપરાંત સોયાબીનનો ઉત્પાદન ખર્ચ પણ 15 થી 20 ટકા નીચો રહે છે. આવતા વર્ષોમાં સોયાબીનના વાવેતરમાં હજુ વધુ વધારો થવાની શક્યતાનો ઇન્કાર થતો નથી.

સંબંધિત લેખો

Most Popular