1. Home
  2. ગુજરાતી
  3. નિર્ણય: જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધા જ પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે
નિર્ણય: જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધા જ પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે

નિર્ણય: જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધા જ પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે

0
Social Share
  • ગુજરાત સરકારે જમીન તકરારી નોંધને લઇને લીધો મહત્વનો નિર્ણય
  • જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થશે
  • રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ

ગાંંધીનગર: ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેના નિર્ણયને આખરી મંજૂરી આપી દીધી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.

જોકે, હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં સરકારે જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.

આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમય મર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લિટિગેશન નિવારી શકાશે તેવો સરકારનો દાવો છે. જમીનના હક્કપત્રક એટલે કે ગામ નમુના નં.6 જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય કરવાની સત્તા નાયબ મામલતદારની છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમયમર્યાદામાં મંજૂર ના થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.

આ પ્રકારની બાબતોને કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડ અસર લેવામાં વધુને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી અસંતોષની લાગણી પ્રવર્તે છે તથા કેટલીક વખત બિનજરૂરી લિટિગેશનને પણ નોતરે છે. જો કે રાજ્ય સરકારના નિર્ણયને કારણે પડતર તકરારી અપીલોનો સત્વરે નિકાલ થઇ શકશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code