
અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ
- હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું
- વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ
- ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ
અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જેમાં વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે.
અમિત શાહે 28 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વૈષ્ણોવદેવી બ્રિજ, ખોડિયાર ફ્લાય ઓવર તેમજ 34 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કલોલ-પાનસર ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું છે. આ ઑવરબ્રિજના ઉપયોગથી રોજના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.
વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાયઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટેનો મર્યાદિત સમય હતો.
જોકે કોરોનાના કારણે નવેમ્બર 2020માં 6માંથી 2 ફલાયઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.. હવે વૈષ્ણોદેવી ઓવરબ્રિજ સહિત કુલ 4 ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા છે જેનાથી વાહનચાલકોને મોટી રાહત થશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખોડિયાર કન્ટેનર જંકશન બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 6 લેન બ્રિજથી ટ્રાફિકની સમસ્યા હવે હળવી થઈ જશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.