રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કર્યું: રેકોર્ડ આયાત છતાં વસૂલ્યો પ્રીમિયમ ભાવ
નવી દિલ્હી, 10 જુલાઈ 2026: અમેરિકાની આકરી ધમકીઓ અને વિરોધને નજરઅંદાજ કરીને ભારતે મે 2026ના મહિનામાં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ (કચ્ચું તેલ) ની ખરીદી કરી છે. જોકે, આ આંકડાઓની વચ્ચે એક ચોંકાવનારો વળાંક એ આવ્યો છે કે રશિયાએ ભારતને અગાઉ અપાતું ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરી દીધું છે અને ઊલટાનું પ્રીમિયમ એટલે કે ઊંચા ભાવો વસૂલ્યા છે.
સરકારી આંકડાઓ અનુસાર, મે 2026માં ભારતના કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 40 ટકાથી વધુ થઈ ગયો છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઊંચો સ્તર છે. આ જ ગાળામાં અમેરિકા અને યુએઈ જેવા અન્ય વૈશ્વિક સ્ત્રોતોએ ભારતને સરેરાશ કરતાં ઓછી કિંમતે તેલ વેચ્યું છે, જ્યારે રશિયા પાસેથી ખરીદાયેલા તેલ માટે ભારતે મોંઘી કિંમત ચૂકવવી પડી છે. આ આર્થિક બોજનું એક કારણ એ પણ હોઈ શકે કે યુક્રેનના તાજેતરના હુમલાઓને કારણે રશિયાના તેલ ઉત્પાદનને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખુદ રશિયાના અનેક ભાગોમાં પેટ્રોલની અછત સર્જાઈ છે.
-
ભારતે હવે વેનેઝુએલા અને ઈરાન પાસેથી પણ તેલની ખરીદી પુનઃ શરૂ કરી
અહેવાલ મુજબ, ભારતે હવે વેનેઝુએલા અને ઈરાન પાસેથી પણ તેલની ખરીદી પુનઃ શરૂ કરી દીધી છે. મે 2026માં ભારતની કુલ તેલ આયાત 218.2 લાખ ટન નોંધાઈ હતી, જે જાન્યુઆરી પછીની સૌથી વધુ આયાત દર્શાવે છે. રશિયા તરફથી કિંમતોમાં કરાયેલા વધારાને કારણે ભારતનું તેલ આયાત બિલ એપ્રિલની સરખામણીએ 23.5 ટકા અને ગત વર્ષના મે મહિનાની સરખામણીએ અધધ 66 ટકા વધી ગયું છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના ડેટા અનુસાર, મે 2026માં ભારતે આયાત કરેલા તેલની સરેરાશ કિંમત 106 ડોલર પ્રતિ બેરલ રહી હતી, જે ગત વર્ષે આ જ મહિને માત્ર 64 ડોલર પ્રતિ બેરલ હતી. આ કિંમતો વધવાને કારણે રશિયા પાસેથી આયાત કરાયેલા તેલની વાસ્તવિક માત્રામાં 2 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, મૂલ્ય (રૂપિયા) ની દ્રષ્ટિએ ચૂકવણીમાં 83 ટકાનો તોતિંગ વધારો થયો છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા રશિયન તેલ પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હોવા છતાં ભારતે રશિયા સાથે વ્યાપારી સંબંધો જાળવી રાખ્યા છે, પરંતુ આ મોંઘા તેલના કારણે ભારતના વ્યાપાર ખાધ અને સ્થાનિક મોંઘવારી પર દબાણ વધવાની આશંકા સેવાઈ રહી છે.


