1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ
બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

0
Social Share

અમદાવાદઃ રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ટુરિઝમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે હવે વાઘા-અટારી બોર્ડરની જેમ નડાબેટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. નડાબેટ નજીક બિરાજમાન નડેશ્વરી માતાજીના દર્શનાર્થે અનેક પ્રવાસીઓ આવતા હોય છે, અને ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા જીરો પોઇન્ટની મુલાકાત લેતા હોય છે જેને લઇ નાડાબેટનો ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જે સીમાદર્શનની કામગીરી પૂર્ણ થતાં તેનો શુભારંભ દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે રવિવારે કરવામાં આવશે.

પાકિસ્તાન સાથે ગુજરાતનો પાણી અને જમીનથી મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે. અહીં 125 કરોડના ખર્ચે નાડાબેડ સીમાદર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે. આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોના શૌર્યને પ્રવાસીઓ માણી શકશે. બોર્ડર પર બીએસએફ કઈ રીતે કામગીરી કરે છે તે પણ પ્રવાસીઓ અહીં આવીને જાણી શકશે. અહીં મ્યુઝિયમ સહિતની પ્રવાસીઓને આકર્ષવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ટૂરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ નડાબેટના સીમા દર્શન માટે આવતા લોકો અહીં વાઘા-અટારી બોર્ડરની માફક સૈનિકોની પરેડ નિહાળી શકશે. જવાનો પરેડ કરી શકે તેવું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં અજય પ્રહરી મ્યુઝિયમમાં દેશની સેવાકાજે યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની વીરગાથા વર્ણવવામાં આવી છે. સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે.

આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.​​​​​​​પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. ​​​​​​​નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code