1. Home
  2. Agency
  3. News
  4. સેન્સેક્સમાં 1456 અને નિફ્ટી 436 પૉઈન્ટનો કડાકો, રોકાણકારો રડ્યા
સેન્સેક્સમાં 1456 અને નિફ્ટી 436 પૉઈન્ટનો કડાકો, રોકાણકારો રડ્યા

સેન્સેક્સમાં 1456 અને નિફ્ટી 436 પૉઈન્ટનો કડાકો, રોકાણકારો રડ્યા

0
Social Share

મુંબઈ, 12 મે, 2026 – સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે મોટો કડોકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1456 અને 436 પૉઈન્ટ તૂટી જતાં રોકાણકારોની હાલત ખરાબ થઈ ગઈ હતી. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે મંગળવાર, 12 મેના રોજ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 માં સતત ચોથા સત્રમાં ઘટાડો નોંધાયો હતો.

30 શેરો ધરાવતો સેન્સેક્સ ઇન્ટ્રાડે દરમિયાન 1,566 પોઈન્ટ અથવા 2% તૂટીને 74,449 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 2% ઘટીને 23,348 ની દૈનિક નીચી સપાટીએ પહોંચ્યો હતો.

દિવસના અંતે, સેન્સેક્સ 1,456 પોઈન્ટ અથવા 1.92% ના ઘટાડા સાથે 74,559.24 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 436 પોઈન્ટ અથવા 1.83% ના ઘટાડા સાથે 23,379.55 પર બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં 2.53% અને નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સમાં 3% નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

છેલ્લા સતત ચાર ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ 3,400 પોઈન્ટ અથવા 4.4% ગબડ્યો છે, જ્યારે નિફ્ટી 50 માં 4% નો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

બજારમાં ઘટાડાના મુખ્ય કારણો:

કાચા તેલના ભાવમાં તીવ્ર ઉછાળો

બજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ કાચા તેલની વધતી કિંમતો રહી. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 107 ડોલરને પાર કરી ગઈ છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી, તેલ મોંઘું થવાથી મોંઘવારી વધવાનો અને કંપનીઓના ખર્ચમાં વધારો થવાનો ખતરો ઊભો થયો છે.

IT શેરોમાં ભારે વેચવાલી

IT સેક્ટરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી IT ઇન્ડેક્સ લગભગ 3.7% તૂટ્યો હતો. માનવામાં આવે છે કે AI સેક્ટરમાં વધતી સ્પર્ધા અને નવી ટેકનોલોજી કંપનીઓના પ્રવેશથી રોકાણકારોની ચિંતા વધી છે. મોટા IT શેરોમાં ઘટાડાએ સમગ્ર બજારને નીચે ખેંચ્યું હતું.

PM ની અપીલની અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાની ખરીદી ઘટાડવા અને ઈંધણ સંકટને જોતા જરૂર પડ્યે ‘વર્ક ફ્રોમ હોમ‘ અપનાવવાની અપીલની અસર પણ બજાર પર જોવા મળી. ખાસ કરીને રિયલ એસ્ટેટ અને જ્વેલરી સેક્ટરના શેરોમાં સતત બીજા દિવસે નબળાઈ જોવા મળી હતી.

રૂપિયામાં રેકોર્ડ ઘટાડો

ડોલર સામે રૂપિયો 35 પૈસા તૂટીને 95.63 ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નબળા રૂપિયાથી વિદેશી રોકાણકારોની ચિંતા વધી અને બજારમાં વેચવાલી તેજ બની.

મોંઘવારીના આંકડાઓની રાહ

રોકાણકારો હવે છૂટક મોંઘવારીના આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. બજારને ડર છે કે તેલની વધતી કિંમતોની અસર મોંઘવારી પર પડી શકે છે, જેનાથી વ્યાજ દરો અને અર્થતંત્ર બંને પર દબાણ વધશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code