
મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, હવે તેઓ પોતે એ જ પાક કાપી રહ્યાં છે જે તેમણે વાવ્યું હતું.
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, “રાજ્યમાં જે બન્યું તે અત્યંત ધિક્કારપાત્ર છે… તે મહારાષ્ટ્રના મતદારોના અપમાન સિવાય બીજું કંઈ નથી.” જો કોઈ આ અંગે લોકોનો અભિપ્રાય લેશે તો તમને રાજ્યના દરેક ઘરમાં અપશબ્દો સાંભળવા મળશે. મતદારો માટે આ એક ભયંકર અનાદર છે… હવે કોઈ ખાતરી કરી શકતું નથી કે કોણ કયા પક્ષમાં છે. મહારાષ્ટ્રમાં આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.”
રાજ ઠાકરેએ પુનરોચ્ચાર કર્યો કે, આ ઘટનાક્રમ પાછળ કોનો હાથ છે તે બાબત હજુ સ્પષ્ટ નથી. પવાર સિનિયર રાજકીય રમતનો ભાગ હતો તો તેને આશ્ચર્ય થશે નહીં. “શરદ પવારે આ બધી બાબતો મહારાષ્ટ્રમાં શરૂ કરી હતી. 1978માં પ્રથમ વખત તેમણે ‘પુલોદ’ (પ્રોગ્રેસિવ લોકશાહી દળ) સરકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રે આવો રાજકીય માહોલ અગાઉ ક્યારેય જોયો ન હતો. આ બધી બાબતો પવારથી શરૂ થઈ અને પવાર પર જ પૂરી થઈ. 1978 માં, શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માટે કોંગ્રેસના વસંતદાદા પાટિલની સરકારની સામે જ બળવો કર્યો હતો.
રાજ ઠાકરેએ કહ્યું, “મને લાગે છે કે કેટલાક બળવાખોરો (પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ) એવા લોકો નથી જે અજિત પવારને અનુસરશે. એટલા માટે મને આ ત્રણ લોકોની ક્રિયાઓ શંકાસ્પદ લાગે છે.