Site icon Revoi.in

સિંગાપોરઃ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની એઈએમની PM મોદીએ મુલાકાત લીધી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સિંગાપોરની અગ્રણી કંપની એઈએમની મુલાકાત લીધી હતી. તેમને વૈશ્વિક સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એઇએમની ભૂમિકા, તેની કામગીરી અને ભારત માટેની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપોર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશને સિંગાપોરમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અને ભારત સાથે સહયોગની તકો વિશે એક બ્રીફિંગ આપી હતી. આ ક્ષેત્રની સિંગાપોરની અન્ય ઘણી કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ 11-13 સપ્ટેમ્બર, 2024નાં રોજ ગ્રેટર નોઇડામાં આયોજિત થનારી સેમિકોન ઇન્ડિયા પ્રદર્શનમાં સહભાગી થવા સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.

ભારતમાં સેમીકન્ડક્ટર ઉત્પાદન પ્રણાલીને વિકસિત કરવાના અમારા પ્રયાસો અને આ ક્ષેત્રમાં સિંગાપોરની તાકાતને ધ્યાનમાં રાખીને, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકારને વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકની બીજી બેઠક દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકાર વધારવા માટે આધારસ્તંભ તરીકે સેમિકન્ડક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એડવાન્સ મેન્યુફેક્ચરિંગને ઉમેરવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપ પર એમઓયુ પણ સંપન્ન કર્યા છે.

આ સુવિધામાં બંને પ્રધાનમંત્રીઓએ સિંગાપોરમાં તાલીમ લઈ રહેલા ઓડિશાના વર્લ્ડ સ્કિલ સેન્ટરના ભારતીય તાલીમાર્થીઓ તેમજ સીઆઈઆઈ-એન્ટરપ્રાઇઝ સિંગાપોર ઇન્ડિયા રેડી ટેલેન્ટ પ્રોગ્રામ હેઠળ ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરના તાલીમાર્થીઓ અને એઈએમમાં કાર્યરત ભારતીય એન્જિનીયરો સાથે પણ વાતચીત કરી હતી. બંને પ્રધાનોમંત્રીની આ મુલાકાત આ ક્ષેત્રમાં સહકાર વિકસાવવા માટે બંને પક્ષોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતમાં પ્રધાનમંત્રી વોંગની સાથે જોડાવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

Exit mobile version