એસપીસીટી યુ-12: G.C.I.A નો G.S.A.B સામે 6 વિકેટે શાનદાર વિજ્ય
અમદાવાદ, 8 જૂન 2026: એસપીસીટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી એસપીસીટી યુ-12 ક્રિકેટ કપ 2026ની લીગ મેચમાં જી.સી.આઈ.એ. ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા જી.એસ.એ.બી. ની ટીમને 6 વિકેટે પરાજય આપ્યો છે. મન પટેલની ધારદાર બોલિંગ અને મીત પ્રજાપતિની અર્ધસદીની મદદથી જી.સી.આઈ.એ. ટીમે મેચ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરનાર જી.એસ.એ.બી.ની શરૂઆત નબળી રહી હતી. ઓપનર પ્રિન્સ મકવાણા શૂન્ય રને રનઆઉટ થઈ પરત ફર્યો હતો. જો કે, બીજા છેડે ઓપનર આરવ શાહે એકલપંડે લડત આપતા 96 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 83 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કેપ્ટન કર્વ પટેલે પણ આક્રમક બેટિંગ કરતા માત્ર 28 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 45 રનનું યોગદાન આપ્યું હતું.
આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને આખી ટીમ 34.5 ઓવરમાં 168 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જી.સી.આઈ.એ. તરફથી મન પટેલે ઘાતક બોલિંગ કરતા 6.5 ઓવરમાં 40રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે શ્લોક બી. પટેલે 3 અને આદિત્ય પુરસ્વાનીએ 2 વિકેટ મેળવીને જી.એસ.એ.બી.ના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો.
169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જી.સી.આઈ.એ. ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને શ્લોક પટેલ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ મીત પ્રજાપતિ અને મિહિર જાદવે બાજી સંભાળી હતી. મીત પ્રજાપતિએ 88 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રનની મજબૂત ઈનિંગ રમી હતી. મિહિર જાદવે પણ તેને સારો સાથ આપતા 36 રન બનાવ્યા હતા.
અંતમાં કેપ્ટન અને વિકેટકીપર યુવાંશ જૈને અણનમ 26 રન અને હેત નરેશ પટેલે અણનમ 24 રન બનાવીને 36.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જી.એસ.એ.બી. તરફથી દેવ પટેલ, રોહિત સોની અને હરવિશ બારન્ડાને 1-1 વિકેટ મળી હતી પરંતુ તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહોતો. શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે જી.સી.આઈ.એ. એ ટૂર્નામેન્ટમાં મહત્વની જીત મેળવી છે.


