મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી
કોલકાતા, 3 જૂન 2025 – મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોલકાતામાં આજે બુધવારે સવારે એકાએક રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. ટીએમસીના બે અસંતુષ્ટ ધારાસભ્યો, જેમને મમતા બેનરજીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ એકાએક વિધાનસભા પહોંચ્યા હતા. હાલ એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભંગાણ થયું હતું એ જ સ્થિતિ આજે પશ્ચિમ બંગાળમાં ઊભી થઈ છે.
પ્રારંભિક અહેવાલ અનુસાર આ બંને ધારાસભ્યો ટીએમસીના 59 ધારાસભ્યોની સહીઓ સાથે વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા અને તેમનું જૂથ અલગ હોવાનો દાવો રજૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ ભવનના જનસંપર્ક કેન્દ્રમાં ફરિયાદોના નિવારણ માટે આગવી વ્યવસ્થા
ટીએમસીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્યો ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહા વિધાનસભા પહોંચી ગયા હતા અને તેમની સાથે ટીએમસીના બે તૃતિયાંશ સભ્યોનું સમર્થન હોવાના દાવા સાથેનો પત્ર લઈને ગયા હતા.
અહેવાલ મુજબ આ સમયે તેમની સાથે બીજા 20 ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા.
માહિતી મુજબ, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આજે એક બહુ મોટા ભંગાણની આશંકા સેવાઈ રહી છે. ટીએમસીના બે બળવાખોર ધારાસભ્યો ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ પોતાની જાતને અસલી ટીએમસી ધારાસભ્ય જાહેર કરીને દાવો કર્યો છે કે તેમની પાસે 59 ધારાસભ્યોની સહીઓ છે.
બળવાખોર ધારાસભ્ય મુસ્તફિઝુર રહેમાને જણાવ્યું હતું કે તેમણે પણ પત્ર પર સહી કરી છે. જોકે, તેમણે ઉમેર્યું કે, “મને ચોક્કસ આંકડો ખબર નથી. હું બહારથી એવું સાંભળી રહ્યો છું કે 59 સહીઓ મળી ગઈ છે.” જ્યારે અન્ય એક બળવાખોર મહિલા ધારાસભ્ય પ્રિયા પૌલે જણાવ્યું કે, “હું અત્યારે વિધાનસભાની અંદર જઈ રહી છું, આ મામલે મીટિંગ પૂરી થયા પછી જ કંઈક જણાવી શકીશ.”
TMC એ વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો
ટીએમસીને પણ પક્ષમાં ભંગાણ થવાના આ મોટા જોખમનો અહેસાસ થઈ ગયો છે. આ જ કારણે ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ વિધાનસભા સ્પીકરને એક પત્ર લખીને શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવાની માંગ કરી છે. આ સાથે જ, ટીએમસીએ વિપક્ષના ઉપનેતા તરીકે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને મુખ્ય દંડક (ચીફ વ્હીપ) બનાવવાની પણ માંગ કરી છે.
કલ્યાણ બેનર્જીએ પોતાના પત્રમાં અગાઉની પરંપરાઓનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમણે સ્પીકરનું ધ્યાન એ તરફ પણ દોર્યું છે કે જ્યારે 15 મેના રોજ તેઓ વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા, ત્યારે શોભનદેવ વિરોધ પક્ષના નેતા તરીકે જ તેમને આસન સુધી લઈ ગયા હતા અને સ્પીકરે પણ પોતાના ભાષણમાં શોભનદેવનો ઉલ્લેખ વિપક્ષના નેતા તરીકે કર્યો હતો.
પક્ષપલટા કાયદાથી બચવા માટેનું સમીકરણ
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ટીએમસીના કુલ 80 ધારાસભ્યો ચૂંટાયા હતા. પક્ષપલટા વિરોધી કાયદા (Anti-defection law) ની જોગવાઈઓમાંથી બચવા અને કાયદેસર રીતે અલગ જૂથ બનાવવા માટે ટીએમસીના કુલ ધારાસભ્યોમાંથી 2/3 એટલે કે ઓછામાં ઓછા 54 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. આ ગણિત મુજબ, જો 59 ધારાસભ્યો અલગ જૂથ બનાવીને મમતા બેનર્જીથી અલગ થઈ જશે તો તેમના પર પક્ષપલટા કાયદો લાગુ નહીં થાય અને તેમનું ધારાસભ્યપદ પણ સુરક્ષિત રહેશે. કોઈપણ પક્ષમાંથી તૂટીને નવો પક્ષ કે જૂથ બનાવવા માટે બે-તૃતીયાંશ બહુમતી હોવી અનિવાર્ય છે.


