ભારતનો રક્ષા ક્ષેત્રે વગાડ્યો ડંકોઃ 24 કલાકમાં 3 સફળ મિસાઈલ પરીક્ષણ
નવી દિલ્હી, 13 જૂન 2026: ભારતના સંરક્ષણ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો છે. દેશની સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO એ ૧૦ અને ૧૧ જૂન દરમિયાન માત્ર ૨૪ કલાકની અંદર સતત ત્રણ મિસાઈલ ફ્લાઈટ ટેસ્ટ સફળતાપૂર્વક પાર પાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળ પરીક્ષણો સાથે જ ભારતે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની અને દરિયામાં દુશ્મનના જહાજોને નેસ્તનાબૂદ કરવાની પોતાની સાર્વભૌમ ક્ષમતાનું લોખંડી પ્રદર્શન કર્યું છે.
DRDO ના જણાવ્યા અનુસાર, ભારતે મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમ હેઠળ નિર્ધારિત લક્ષ્યોને ચોક્કસાઈપૂર્વક તોડી પાડ્યા હતા. આ પરીક્ષણો દરમિયાન ઈન્ટરસેપ્ટર મિસાઈલોએ દુશ્મન તરફથી આવતી બેલેસ્ટિક મિસાઈલોને હવામાં જ અટકાવીને તેમનો ખાતમો બોલાવ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે ૨,૦૦૦ કિમીથી લઈને ૫,૦૦૦ કિમી સુધીની પ્રહાર ક્ષમતા ધરાવતી ઇન્ટરમીડિએટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલો (IRBMs) ને તોડી પાડવા માટે બે ઈન્ટરસેપ્ટર મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. આ ઈન્ટરસેપ્ટર મિસાઈલો એક્ઝો-એટમોસ્ફેરિક (પૃથ્વીના વાતાવરણની બહાર) અને એન્ડો-એટમોસ્ફેરિક (વાતાવરણની અંદર) એમ બંને સ્તરે દુશ્મનની મિસાઈલોને તોડી પાડવામાં સક્ષમ છે. ટેસ્ટ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, હવે ટૂંક સમયમાં જ આ મિસાઈલોને સેનાના વપરાશકાર પરીક્ષણો (User Trials) માટે મોકલવામાં આવશે.
-
શા માટે આ સિસ્ટમ ભારત માટે ગેમ-ચેન્જર છે?
પાકિસ્તાન સતત ફતેહ-I (Fateh-I), ફતેહ-II (Fateh-II) અને ચીનની સહાયતાથી વિકસાવાયેલી P282 જેવી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલો તૈયાર કરી રહ્યું છે. પાડોશી દેશોના આ આક્રમક વલણને જોતા ભારતે પોતાની બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
આ સફળતા સાથે ભારત વિશ્વના એવા ગણતરીના દેશોની ‘એલિટ ક્લબ’ (ભદ્ર વર્ગ) માં સામેલ થઈ ગયું છે, જેઓ લાંબા અંતરની અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBMs) જેવા ઘાતક હુમલાઓ સામે પોતાના દેશનું રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઉપરાંત, ભારતે નૌકાદળની તાકાતમાં વધારો કરતા નેવલ એન્ટી-શિપ મિસાઈલ-મીડિયમ રેન્જ (NASM-MR) નું પ્રથમ મેઇડન (પ્રથમ ફ્લાઇટ) સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલે મધ્યમ અંતરે દરિયામાં રહેલા દુશ્મનના યુદ્ધજહાજોને સચોટ રીતે નષ્ટ કરવાની ક્ષમતા સાબિત કરી છે, જેનાથી ભારતીય સશસ્ત્ર દળોની દરિયાઈ પ્રહાર ક્ષમતા (Maritime Strike Options) અનેક ગણી મજબૂત બની છે.
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન
આ ઐતિહાસિક મિશન પર DRDO ના અધ્યક્ષ રાજેશ કુમાર સિંઘ અને ભારતીય સશસ્ત્ર દળોના ઉચ્ચ અધિકારીઓએ સીધી નજર રાખી હતી. માત્ર ૨૪ કલાકમાં આટલા જટિલ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમણે વૈજ્ઞાનિકોની ટીમને બિરદાવી હતી. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO અને સેનાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,”આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની સંરક્ષણ સજ્જતાને અભૂતપૂર્વ મજબૂતી આપશે. હવાઈ અને દરિયાઈ મોરચે આવનારા કોઈપણ પ્રકારના જોખમોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત હવે વધુ સક્ષમ બન્યું છે.”


