વીજળી-ગેસ સંક્ટનો સામનો કરતા બાંગ્લાદેશે ભારત પાસે માંગી મદદ, ડીઝલનો પુરવઠો વધારવા અપીલ
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા વીજળી અને ગેસના ગંભીર સંકટને પહોંચી વળવા માટે બાંગ્લાદેશ સરકારે ભારત પાસે ક્રોસ-બોર્ડર પાઇપલાઇન દ્વારા ડીઝલનો પુરવઠો વધારવાની માંગ કરી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, બાંગ્લાદેશના પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સ મંત્રી ઇકબાલ હસન મહમૂદે ઢાકામાં સચિવાલય ખાતે ભારતીય હાઇકમિશનર દિનેશ ત્રિવેદી સાથે બેઠક યોજ્યા બાદ આ માહિતી આપી હતી.
બાંગ્લાદેશી અખબાર ‘ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ’ના અહેવાલ મુજબ, મંત્રી મહમૂદે જણાવ્યું હતું કે, “આપણે પાઇપલાઇન દ્વારા ભારતમાંથી ડીઝલ આયાત કરીએ છીએ અને અમે તેમને પુરવઠો વધુ વધારવા માટે અપીલ કરી છે.” તેમણે પાડોશી દેશ તરીકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પરસ્પર હિતોના અનેક મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં બાંગ્લાદેશના પાવર, ઊર્જા અને મિનરલ રિસોર્સિસના રાજ્ય મંત્રી અનિદ્ય ઇસ્લામ અમિત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઢાકામાં સ્થિત ભારતીય હાઇકમિશન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી કે, “આ ચર્ચામાં ભારત-બાંગ્લાદેશ આર્થિક ભાગીદારીના એક મહત્વપૂર્ણ સ્તંભ સમાન ક્રોસ-બોર્ડર પાવર અને ઊર્જા સંપર્કની અગત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.” બંને પક્ષોએ ઊર્જા સુરક્ષા વધારવા, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને પરસ્પર હિતોના આધારે સહયોગને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં ‘ઇન્ડિયા-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન’ દ્વારા ભારતથી બાંગ્લાદેશમાં ૫,૦૦૦ ટન ડીઝલ પહોંચાડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે પશ્ચિમ એશિયામાં સમુદ્રી અનિશ્ચિતતા વચ્ચે ઢાકાની ઇંધણ સુરક્ષાને મોટો ટેકો મળ્યો હતો. હવે વર્તમાન કટોકટી વચ્ચે બાંગ્લાદેશે ભારત પાસે આ પુરવઠો વધુ વધારવા માટે વિશેષ અનુરોધ કર્યો છે.


