1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: ISIના નેટવર્કનો પર્દાફાશ, 4 આતંકીઓ ઝડપાયા
દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: ISIના નેટવર્કનો પર્દાફાશ, 4 આતંકીઓ ઝડપાયા

દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: ISIના નેટવર્કનો પર્દાફાશ, 4 આતંકીઓ ઝડપાયા

0
Social Share

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા પ્રાયોજિત એક મોટા આંતર-રાજ્ય આતંકવાદી અને હથિયાર સપ્લાય કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં રહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ પંજાબના અને એક દિલ્હીનો હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ શુભદીપ સિંહ, ગુરજંત સિંહ, સાજન સિંહ અને ગગનપ્રીત તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સાથીદારોના સીધા સંપર્કમાં હતા અને તેમના નિર્દેશો પર જ કામ કરી રહ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓ વિદેશી નંબરોનો ઉપયોગ કરતા હતા, જે તેમને પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

  • દેશવિરોધી પ્રવૃત્તિઓના અનેક વાંધાજનક પુરાવા મળ્યાં

તપાસમાં ખુલાસો થયો છે કે, દિલ્હીના રહેવાસી ગગનપ્રીત નામના આરોપીને પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા દિલ્હીમાં પોલીસ સ્ટેશનો, પોલીસ પિકેટ્સ અને મહત્વના ધાર્મિક સ્થળોની વીડિયોગ્રાફી તેમજ રેકી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેને દિલ્હીમાં અંધાધૂંધ ગોળીબાર (શૂટઆઉટ) કરવાની ઘટનાને અંજામ આપવાની પણ સૂચના મળી હતી. ગગનપ્રીતના મોબાઈલ ફોનમાંથી દેશવિરોધી પ્રવૃત્તિઓના અનેક વાંધાજનક પુરાવા મળી આવ્યા છે.

સ્પેશિયલ સેલને ગુપ્ત માહિતી મળી હતી કે ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી દિલ્હી-NCRમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યો છે અને આ માટે તેણે પંજાબના યુવાનોની ભરતી કરી છે. આ ચોક્કસ ઇનપુટ્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે દિલ્હી અને પંજાબમાં એકસાથે અનેક દરોડા પાડ્યા હતા. સૌથી પહેલા અમૃતસરથી શુભદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક પિસ્તોલ, 5 જીવતા કારતૂસ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેને ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સની ડિલિવરી મળતી હતી. શુભદીપની પૂછપરછના આધારે પંજાબમાંથી તેના અન્ય બે સાથીદારો ગુરજંત સિંહ અને સાજન સિંહને દબોચી લેવાયા હતા. તેમની પાસેથી એક અત્યાધુનિક ‘ઝિગાના’ પિસ્તોલ, 4 કારતૂસ અને 2મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. આ નેટવર્કની કડીઓ જોડતા પોલીસે 24 એપ્રિલ, 2026ના રોજ દિલ્હીથી ગગનપ્રીતની ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

  • વિદેશી હથિયારો અને મોબાઈલ જપ્ત

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સમગ્ર ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી ૨ વિદેશી પિસ્તોલ, ૯ જીવતા કારતૂસ અને ૫ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ નેટવર્ક સાથે ભારતમાં અન્ય કયા-કયા લોકો જોડાયેલા છે અને હથિયારોની આ ખેપ ક્યાં પહોંચાડવાની હતી. આ ધરપકડથી દિલ્હી પર તોળાતો એક મોટો આતંકી ખતરો ટળી ગયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code