ઢાકા, 19 ઑક્ટોબર, 2026: emergency landing of air ambulance in Bangladesh ત્રિપુરાના અગરતલાથી કોલકાતા જઈ રહેલી એક ભારતીય એર એમ્બ્યુલન્સમાં હવામાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
વિમાનમાં સવાર 56 વર્ષીય મહિલા દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. વિમાનમાં સવાર અન્ય તમામ 6 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ ઘટના રવિવારે બીચક્રાફ્ટ કિંગ એર C90A વિમાન સાથે બની હતી. જ્યારે વિમાન 12,000 ફૂટની ઊંચાઈએ હતું, ત્યારે ટેકનિકલ ખામીના કારણે તેનું દરવાજો હવામાં જ આંશિક રીતે ખુલી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં પાઇલટે ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી.
વિમાનમાં સવાર હતા કુલ 7 લોકો
વિમાન બપોરે લગભગ 1:40 વાગ્યે ઢાકા એરપોર્ટ પર સુરક્ષિત ઉતર્યું હતું. આ એર એમ્બ્યુલન્સમાં બે પાઇલટ, એક ડૉક્ટર, એક પેરામેડિક, દર્દી અને તેમના બે સગાસંબંધીઓ સહિત કુલ સાત લોકો સવાર હતા. લેન્ડિંગની તરત જ બાદ ગંભીર રીતે બીમાર દર્દી અંજના ભૌમિકને કુરમિતોલા સ્પેશિયલાઈઝ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સાંજે 4:40 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
મહિલાનું મૃત્યુ ટેકનિકલ ખામીથી ઊભી થયેલી પરિસ્થિતિના કારણે થયું કે તેમની ગંભીર બીમારીના લીધે, તેની તપાસ કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશે આપી લેન્ડિંગની મંજૂરી
બાંગ્લાદેશી અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય લેન્ડિંગની અગાઉથી મંજૂરી ન હોવા છતાં માનવતાના ધોરણે તાત્કાલિક વિમાનને ઉતરવાની મંજૂરી આપી અને યથાશક્ય તમામ મદદ પૂરી પાડી.
ઘટના બાદ ઢાકા સ્થિત ભારતીય હાઈકમિશને જરૂરી રાજદ્વારી ઔપચારિકતાઓ પૂરી કરવા માટે બાંગ્લાદેશી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ એર એમ્બ્યુલન્સ ભારતની ‘એસકેબી ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.


