1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સની સાથે ચિપ્સ ખાવાની આદત આરોગ્ય માટે હાનિકારક
ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સની સાથે ચિપ્સ ખાવાની આદત આરોગ્ય માટે હાનિકારક

ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સની સાથે ચિપ્સ ખાવાની આદત આરોગ્ય માટે હાનિકારક

0
Social Share

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: દેશના અનેક રાજ્યોમાં હાલ આકરી ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શરીરને હાઈડ્રેટ રાખવું અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે કોઈપણ ફંક્શન હોય કે ઘરે મહેમાન આવે, આપણે ઠંડા પીણા (કોલ્ડ ડ્રિંક્સ) અને ચિપ્સ પીરસતા હોઈએ છીએ. ઘણા લોકો આ બંનેનું કોમ્બિનેશન ખૂબ પસંદ કરે છે, પરંતુ દિલ્હી એઈમ્સના ચીફ ડાયટિશિયન ડો. પરમીત કૌરના જણાવ્યા અનુસાર, આ ખાદ્ય પદાર્થોનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ડો. કૌરના જણાવ્યા અનુસાર, લોકો એવું માને છે કે કોલ્ડ ડ્રિંક પીવાથી તરસ છિપાય છે, પરંતુ વાસ્તવમાં તે શરીરને ડિહાઈડ્રેટ (પાણીની અછત) કરી શકે છે. કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં રહેલું કેફીન અને શુગર શરીરમાંથી પાણી ખેંચી લે છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. ચિપ્સમાં મીઠું (સોડિયમ) અને ટ્રાન્સ ફેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વધુ પડતું મીઠું ખાવાથી વધુ તરસ લાગે છે અને તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટનું સંતુલન બગાડી શકે છે. આ બંને પદાર્થોના નિયમિત સેવનથી શરીરમાં બિનજરૂરી કેલરી વધે છે, જે લાંબા ગાળે મેદસ્વીતા અને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. ડો. પરમીત કૌરના જણાવ્યા મુજબ, ઉનાળામાં તરસ ન લાગી હોય તો પણ થોડા-થોડા સમયે પાણી પીતા રહેવું જોઈએ. કોલ્ડ ડ્રિંક્સના બદલે કુદરતી પીણાંનો આગ્રહ રાખવો જોઈએ.

શ્રેષ્ઠ વિકલ્પો

નાળિયેર પાણી અને લીંબુ પાણી: આ પીણાં કુદરતી રીતે શરીરને ઠંડક આપે છે અને જરૂરી મિનરલ્સ પૂરા પાડે છે.
ઘરે બનાવેલું ORS: 1 લિટર પાણીમાં 6 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો. આ પાણી દિવસભર પીવાથી શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જળવાઈ રહેશે.
ફળોનું સેવન: આ સિઝનમાં મળતા તરબૂચ અને ટેટી જેવા ફળો ખાવા જોઈએ, જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
હેલ્ધી સ્નેક્સ: ચિપ્સના બદલે શેકેલા મખાના ખાવા એ સ્વાસ્થ્ય માટે વધુ સારો વિકલ્પ છે.

નિષ્ણાતોના મતે, આકરી ગરમીમાં લિક્વિડ ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે, પરંતુ પ્રોસેસ્ડ ફૂડ અને હાઈ શુગર ડ્રિંક્સથી દૂર રહેવું એ જ હિતાવહ છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરાયું: બ્રેન્ટ ક્રૂડ 120 ડોલરને પાર, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code