આગામી બે દાયકામાં દર વર્ષે 40 દિવસ સુધી આકરી ગરમી પડશે, રાત પણ વધુ ગરમ રહેશે
નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: ભારતમાં ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ તે એક ગંભીર વાસ્તવિકતા બની રહ્યો છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અગ્રણી થિંક ટેન્ક ‘કાઉન્સિલ ફોર એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર’ (સીઈઈડબલ્યુ)ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી બે દાયકામાં ભારતને દર વર્ષે વધારાના 15 થી 40 એવા દિવસોનો સામનો કરવો પડી શકે છે જેમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હશે. અહેવાલની સૌથી ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર દિવસો જ નહીં, પરંતુ રાત પણ અસામાન્ય રીતે ગરમ રહેશે. દેશના અનેક વિસ્તારોમાં દર વર્ષે 20 થી 40 ગરમ રાતોની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. નિષ્ણાતોના મતે, સતત ગરમ રહેતી રાતોને કારણે માનવ શરીરને ઠંડુ થવાની તક મળતી નથી, જેના કારણે હીટ સ્ટ્રેસ અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
અત્યંત ગરમીને કારણે માત્ર જનજીવન જ નહીં, પણ ટેકનોલોજી સેક્ટર પર પણ તેની અસર પડશે. અહેવાલ મુજબ, ભારતના 281 ડેટા સેન્ટરોનો ઓપરેટિંગ ખર્ચ વધશે. આ સેન્ટરોને ઠંડા રાખવા માટે વધુ કુલિંગની જરૂર પડશે, જે ઉર્જાનો વપરાશ અને ખર્ચ બંનેમાં વધારો કરશે. આ આંકડાઓ ‘ક્લાઇમેટ રેઝિલિયન્સ એનાલિટિક્સ એન્ડ વિઝ્યુલાઇઝેશન ઇન્ટેલિજન્સ સિસ્ટમ’ (સીઆરએવીઆઈએસ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ એઆઈ-સંચાલિત પ્લેટફોર્મે ભારત હવામાન વિભાગ, આઈઆઈટીએમ-પુણે અને ભારતીય વન સર્વેક્ષણ જેવી સંસ્થાઓના છેલ્લા 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરીને વર્ષ 2070 સુધીના અનુમાન તૈયાર કર્યા છે.
-
દર વર્ષે 10 થી 30 દિવસ સુધી ભારે ગરમી અને વરસાદનો સામનો કરવો પડી શકે છે
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ગરમી અને વરસાદ બંનેમાં વધારો થવાની શક્યતા છે. આ રાજ્યોમાં દર વર્ષે 10 થી 30 દિવસ સુધી ભારે ગરમી અને વરસાદનો સામનો કરવો પડી શકે છે. આ બેવડી અસરથી સ્વાસ્થ્ય જોખમોની સાથે પાયાની સુવિધાઓ અને કામ કરવાની ક્ષમતા પર પણ વિપરીત અસર પડશે. વધતી જતી ગરમીને કારણે કૃષિ ઉત્પાદન અને શ્રમિકોની કાર્યક્ષમતા ઘટવાની ભીતિ છે. જો તાપમાન આ રીતે જ વધતું રહેશે, તો ભારતની આર્થિક પ્રવૃત્તિઓ પર તેની નકારાત્મક અસર પડશે. નિષ્ણાતોએ સરકાર અને તંત્રને અત્યારથી જ ક્લાઇમેટ એક્શન પ્લાન પર ભાર મૂકવા ચેતવણી આપી છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું


